Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભુજમાં ભ્રષ્ટાચાર મુકત શાસન આપવાના કોલ સાથે કોંગ્રેસનું આક્રમક પ્રચાર અભિયાન

ભુજમાં પાણી, ગંદકી, ગટર અને રસ્તાની સમસ્યાઓ ઉકેલવામાં ભાજપ નિષ્ફળ : વોર્ડ નં. ૧૧માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ધમકીના કારણે ફોર્મ પરત ખેંચતા ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : સ્થાનિક નગરપાલિકાની ચુંટણીમાં જિલ્લા મથક ભુજમાં કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી ભ્રષ્ટાચાર મુકત શાસનના કોલ સાથે આક્રમક ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડી અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે ભુજમાં કોંગ્રેસના ઉમેદવારોએ એક સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. દરમ્યાન ભુજના વોર્ડન. ૧૧ ના મહિલા ઉમેદવાર દિપ્તીબેન ગોસ્વામીએ ફોર્મ પાછું ખેચી લીધું છે. જે સંદર્ભે તેમની સસ્તા અનાજની દુકાન હોઈ ફોર્મ પાછું ખેંચવા તેમની ઉપર દબાણ અને ધાકધમકી કરાઈ હોવાના આક્ષેપના કારણે રાજકીય ગરમાટો સર્જાયો છે.

ભુજમાં વોર્ડ ન. ૯ માં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ નહી ભરવા સહિત એક ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવાના મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ સામે અપહરણ અને ધાકધમકીના આક્ષેપો થઈ ચૂકયા છે.  દરમિયાન કોંગ્રેસે ભુજમાં ગટર, ગંદકી, પીવાના પાણી અને નવા રસ્તાઓ બનાવવા સહિતના વાયદાઓ સાથે દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસ શરૂ કરવા જણાવ્યું છે. ભુજમાં આ વખતે ચુંટણી જંગ રસપ્રદ બનશે એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

(11:30 am IST)