Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જૂનાગઢમાં ભાજપની સ્લીપ વહેંચવા મામલે મહિલા કોર્પોરેટરના પતિ પર હુમલો

ઝપાઝપીમાં પોલીસકર્મીને પણ ઈજા થઈ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૮ :. જૂનાગઢમાં વોર્ડ નં. ૧૫માં ભાજપની સ્લીપ વહેંચવા મામલે મહિલા કોર્પોરેટરના પતિ પર ચાર શખ્સોએ હુમલો કરી અને પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી કરીને ઈજા પહોંચાડી હોવાની પોલીસમાં ફરીયાદ થઈ છે.

જૂનાગઢ મનપાના વોર્ડ નં. ૬ અને ૧૫ની એક-એક બેઠકની પેટાચૂંટણી યોજાનાર છે. જેનુ મતદાન રવિવારે થવાનુ છે ત્યારે વોર્ડ નં. ૧૫ની પેટાચૂંટણી સંવેદનશીલ બનતી હોવાનુ જણાય રહ્યુ છે.

તાજેતરમાં આ વોર્ડમાં ૮ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા નિકળેલા ધર્મેશ પરમાર વગેરે ઉપર હુમલો થયેલ છે. પાંચ મહિલા સહિત છને ઈજા થઈ હતી.

દરમ્યાન ગઈકાલે રાત્રે વોર્ડ નં. ૧૫ના ભાજપના કોર્પોરેટર બ્રિજેશાબેન સોલંકીના પતિ સંજયભાઈ સુરેશભાઈ ઉર્ફે દુલાભાઈ સોલંકી (ઉ.વ. ૩૫) વોર્ડ નં. ૧૫માં ભાજપની સ્લીપ વહેંચવા ગયા હતા.

ત્યારે ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર, રણજીત ઉર્ફે રાવણ તથા તેમનો પુત્ર અને બહેને અમારા વિસ્તારમાં કેમ આવ્યો છો ? તેમ કહી સંજય સોલંકીને ગડદા-પાટુનો માર માર્યો હતો.

તેમજ બંદોબસ્તમા રહેલ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી તેમને ઈજા પહોંચાડી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે રાત્રે ૧૦.૧૦ કલાકે ફરીયાદ નોંધી હુમલાખોરો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઈ એ.કે. પરમાર ચલાવી રહ્યા છે.

આ બનાવમાં પગલે વોર્ડ નં. ૧૫માં એસપી રવિ તેજા વાસમ શેટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ બંદોબસ્ત વધારી સ્થિતિ પર વોચ ગોઠવી છે.(

(12:56 pm IST)