Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કચ્‍છમાં આજ સવાર સુધી વાવાઝોડાની નહિવત અસર વચ્‍ચે રાત્રે પવન સાથે વરસાદ

દરેક તાલુકામાં કન્‍ટ્રોલરૂમ, રેલવે, વિમાની સેવા બંધ :કોઈ પણ પ્રકારની નુકસાની અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નહીં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૮:  ‘તૌકતે' વાવાઝોડું રાત્રે સૌરાષ્ટ્રના દરિયામાં ટકરાયા બાદ સવાર સુધી કચ્‍છમાં તેની નહિવત અસર વરતાઈ છે. જોકે, આ અંગે કચ્‍છના વહીવટી તંત્ર દ્વારા હજી આજ સવાર સુધી કોઈ સતાવાર માહિતી અપાઈ નથી. દરમ્‍યાન ગઈકાલ સાંજ પછી રાત સુધીમાં કચ્‍છ જિલ્લાનું હવામાન પલટાયું હતું અને પવન સાથે વરસાદ ચાલુ થયો હતો. રાત્રે પવન સાથે એકંદરે ઝાપટાં સ્‍વરૂપે વરસાદ પડ્‍યો હતો. હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે, કચ્‍છમાં વાવાઝોડું શાંત પડી ગયું છે. પણ, લોકો વાવાઝોડાના સંભવિત અણસાર સાથે જાગૃત છે.

દરમ્‍યાન કચ્‍છમાં તમામ પ્રકારનો રેલવે વ્‍યવહાર બંધ કરી દેવાયો હોવાનું એઆરએમ આદીશ પઠાણીયાએ જણાવ્‍યું છે. તો કંડલા એરપોર્ટ પણ બંધ કરાયું છે. માત્ર ઈમરજન્‍સી તેમ જ રાહત સામગ્રી માટે જ વિમાન ઉતરી શકશે. કચ્‍છના વહીવટી તંત્રે આપેલી ગઈકાલ સુધીની કામગીરી અંતર્ગત જિલ્લામાં કુલ ૯૨ ગામોમાંથી ૩૨ હજાર લોકોનું સ્‍થળાંતર કરાયું છે. જયારે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ત્રણ ટીમો કચ્‍છમાં એલર્ટ છે. બે મોટા બંદરો કંડલા પોર્ટ તેમ જ ખાનગી બંદર અદાણી મુન્‍દ્રા પોર્ટ ઉપર ૮ નંબરના સિગ્નલ સાથે તમામ પ્રકારનો વ્‍યવહાર સ્‍થગિત કરી દેવાયો છે. તંત્રએ દરેક તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધા છે.

તોકતે વાવાઝોડા માટે કચ્‍છ જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્‍ટર શાખા દ્વારા આગોતરા આયોજન અન્‍વયે તકેદારીના ભાગરૂપે જિલ્લા અને તાલુકા કક્ષાએ કન્‍ટ્રોલરૂમ શરૂ કર્યા છે. જે પૈકી જિલ્લા કન્‍ટ્રોલ રૂમ-ભુજ ૦૨૮૩૨-૨૫૨૩૪૭ અને ૦૨૮૩૨-૨૫૧૯૪૫, મામલતદાર કચેરી-ભુજ ૦૨૮૩૨-૨૩૦૮૩૨, મામલતદાર કચેરી-માંડવી ૦૨૮૩૪-૨૨૨૭૧૧, મામલતદાર કચેરી-મુન્‍દ્રા ૦૨૮૩૮-૨૨૨૧૨૭, મામલતદાર કચેરી-અંજાર ૦૨૮૩૬-૨૪૧૫૮૮, મામલતદાર કચેરી-ગાંધીધામ ૦૨૮૩૬-૨૫૦૨૭૦, મામલતદાર કચેરી-ભચાઉ ૦૨૮૩૭-૨૨૪૦૨૬, મામલતદાર કચેરી-રાપર ૦૨૮૩૦-૨૨૦૦૦૧, મામલતદાર કચેરી-નખત્રાણા ૦૨૮૩૫-૨૨૨૧૨૪, મામલતદાર કચેરી-અબડાસા ૦૨૮૩૧-૨૨૨૧૩૧, મામલતદાર કચેરી લખપત ૦૨૮૩૯-૨૩૩૩૪૧ નંબરો છે.

(11:39 am IST)