Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જેતપુર ખાતે વહીવટી તંત્ર અને ઉદ્યોગકારો સાથે ઉર્જામંત્રીની સમીક્ષા બેઠક

રાજકોટઃ તા.૧૮, જેતપુર વિસ્તારમાં 'તાઉતે' વાવાઝોડાના અતિતીવ્ર ચક્રવાત સામે કરાયેલ સાવચેતીના પૂર્વ આયોજન બાબતે વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ જેતપુર વિસ્તારના ઉદ્યોગકારો અને આગેવાનો સાથે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે બેઠક યોજી હતી. સૌરાષ્ટ્રના દરિયા પટ્ટી તેમજ સૌરાષ્ટ્રમાં આવનાર સંભવિત વાવાઝોડાની વધુ અસર થાય તેવી સંભાવના રહેલી હોય એવા સમયે પગલાં લેવા અને સાવચેતી રૂપે કરાયેલ કામગીરી અને કરવામાં આવનાર કામગીરી અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી

 રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા તેમજ માર્ગ મકાન વિભાગ અને અન્ય વિભાગો પાસેથી સંભવિત વાવાઝોડા સામે તકેદારીના કયા-કયા આયોજનો કર્યા છે તે અંગેની વિગતો મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મેળવી હતી.

ઉદ્યોગકારો તેમજ આગેવાનો સાથે આયોજિત બેઠકમાં જેતપુરનો સાડી  ઉદ્યોગ  કાર્યરત છે ત્યારે આ કારખાનામાં  કામગીરી કરતા કારીગર વર્ગને સલામત સ્થળે રાખવા તેમજ તેમના ભોજન અંગેની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી. આ સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સાવચેતી અને સલામતીને પ્રાથમિકતા આપવા સુચના આપી હતી.

 પ્રાંત ઓફિસર શ્રી રાજેશ  આલ દ્વારા અસરગ્રસ્ત થનાર વિસ્તારમાંથી ૨૪૦ લોકોનું સલામત સ્થળે  સ્થળાંતર કરવામાં આવેલું છે અને કોઇપણ પરિસ્થીતીનો સામનો કરવા વિવિધ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે તે બાબતની જાણકારી આપવામાં આવેલ હતી.

 આ પ્રસંગે મામલતદાર  વિજય કારીયા,  મામલતદાર શ્રી ગીનિયા,  નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કુંગસિયા, વિવિઘ વિભાગોના અધિકારી તેમજ અગ્રણી મનસુખભાઈ ખાચરિયા, દિનકર ગુંદારીયા, કિશોર શાહ, વસંત પટેલ, જેન્તીભાઈ રામોલિયા, રાજેશ ઉદ્દડિયા,જયસુખ ગુજરાતી, બિંદિયા મકવાણા, રાજુ ભાઈ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતાં.

(12:20 pm IST)