Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મોરબી જિલ્લામાં અડધો ઇંચ વરસાદ : એક ગાયનું મોત

મોરબી તા. ૧૮ : વાવાઝોડાની અસર મોરબી જીલ્લામાં જોવા મળી હતી અને રાત્રી જ પવન સાથે વરસાદ વરસ્યો હતો તો સવારના પણ ધીમીધારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તા.૧૭ ના રાત્રીના ૮ વાગ્યાથી તા.૧૮ ના સવારના ૮ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લામાં વરસાદમાં મોરબીમાં ૧૫ એમએમ, વાંકાનેરમાં ૧૩ એમએમ, હળવદમાં ૧૭ એમએમ, ટંકારામાં ૧૪ એમએમ અને માળિયા મિયાણામાં ૫ એમએમ વરસાદ વરસ્યો હતો તો મોરબીના દરબાર ગઢ નજીક વાઘેસ્વરી માતાજીના મંદિર નજીક વીજપોલ સાથે શોર્ટ થતા એક ગાયનું પણ મૃત્યુ થયું હતું.જીલ્લામાં વાવાઝોડાની અસરને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને સાવચેતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે.

વીજ તંત્રની ૫૫ ટીમો સ્ટેન્ડ ટૂ

વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી છે અને વાવાઝોડાને પગલે કોઈ જાનહાની ના થાય અને શકય તેટલું ઓછું નુકશાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાવાઝોડામાં વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલણી ૫૫ ટીમો સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે.

મોરબી જીલ્લાના ૧૫ સબ ડીવીઝન આવેલ હોય જેના માટે ૫૫ ટીમના ૨૯૦ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને જીલ્લામાં ૪ સ્થળે જરૂરી સામાન રીઝર્વ રાખવામાં આવ્યો છે તેમ પીજીવીસીએલ તંત્રએ જણાવ્યું હતું.

નવલખી બંદરે ૮ નંબરનું સિગ્નલ

નવલખી બંદરના કેપ્ટન કુલદીપસિંહે જણાવ્યું હતું કેહાલમાં બંદર ઉપર ૮નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. નવલખી બંદર અને મોરબી જીએમબી ઓફીસ ખાતે રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે.

૩૦ એસટી બસ સ્ટેન્ડ ટુ, ઈમરજન્સીમાં ફરજો સોંપાઈ

મોરબી એસટી ડિવિઝન દ્વારા ૩૦એસટી બસને ઇમરજન્સી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલમાં લોકલ રૂટ બંધ કરી દઈ પાંચ–પાંચ ડ્રાઇવર કન્ડકટરને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે તો ત્રણ ટીસીને કન્ટ્રોલ પોઇન્ટ ઉપર રાઉન્ડ ધ કલોક ફરજ સોંપવામાં આવી છે દાહોદ,ગોધરા,અંબાજી અને વેરાવળ રૂટમાં ચાલતી એકસપ્રેસ બસના ડ્રાઇવર કન્ડકટરને પણ જોખમી પરિસ્થિતિ જણાયે નજીકના ડેપોમાં બસ થંભાવી દેવા સૂચના આપી દેવામાં આવી છે.

માળિયાના જાજાસર ગામે ૭૦ અગરિયાને સલામત સ્થળે ખસેડાયા

માળિયા તાલુકાના જાજાસર ગામમાં આવેલ શ્રી રામ સોલ્ટમાં કામ કરતા ૭૦ અગરિયાનું સ્થળાંતર કરાયું છે અને મોટી બરાર સ્કૂલ ખાતે અગરિયાઓને ખસેડાયા છે.

તાલુકામાં આશ્રયસ્થાનો કાર્યરત

માળિયા તાલુકાના વવાણીયા, વર્ષામેડી, બોડકી, બગસરા તેમજ મોરબી તાલુકાના ઊંટબેટ, રામપર, પાડાબેકર, ઝીન્ઝુંડા, ફડસર, બેલા અને રાજપર સહિતના ગામોમાં સરકારી શાળા, પંચાયત ઘર ખાતે આશ્રયસ્થાનો બનાવી લોકોને ત્યાં આશરો આપવામાં આવી રહ્યો છે

જલારામ મંદિર દ્વારા સ્થળાંતર કરેલ ૪૩૩ લોકો માટે ભોજનનો સેવાયજ્ઞ

જુમાવાડીમાં રહેતા ૪૩૩ લોકોને હાલ ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે જે તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા કરવામાં આવી છે મોરબી જલારામ મંદિર દ્વારા ભૂખ્યાને ભોજનનો સેવાયજ્ઞ બારેમાસ ચલાવાય છે ત્યારે હાલના વિપરીત સંજોગોમાં પણ તેમને ભોજન વ્યવસ્થા કરીને માનવતા મહેકાવી છે

વર્ષામેડી ગામે શ્રી રામ ગ્રુપ ઓફ કંપની દ્વારા ફૂડ પેકેટ વિતરણ

માળિયા તાલુકામાં દરિયા કિનારાના ગામોના રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યા હોય જે સ્થળાંતરિત થયેલ લોકોના ભોજન માટે સંસ્થાઓ આગળ આવી રહી છે જેમાં શ્રી રામ ગ્રુપ ઓફ કંપની દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા વર્ષામેડી ગામમાંથી અગરિયા પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા હોય ત્યારે વર્ષામેડી ગામમાં અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા.

રાજય સરકારના મંત્રીની મુલાકાત

રાજય સરકારના નર્મદા નિગમના મંત્રી યોગેશભાઈ પટેલે મોરબી અને માળિયા તાલુકાની મુલાકાત લીધી હતી જેમાં માળિયાના ન્યુ નવલખી, જુમાવાડી, નવલખી બંદર તેમજ મોરબી તાલુકાના ઊંટબેટ શામપર ગામણી મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ઝૂપડપટ્ટી વિસ્તારના રહીશોને સલામત સ્થળે ખસેડ્યા

મોરબીના ઝૂંપટપટ્ટી વિસ્તાર જેવા કે પુલની નીચે, સર્કિટ હાઉસ પાસે, કેસરબાગ નજીક સહિતના અંદાજે ૧૫૦ જેટલા લોકોને નગરપાલિકા તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરી હતી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, બી ડિવિઝન પીઆઇ તથા ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા ઝૂંપટપટ્ટી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ લોકોને હાલ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા યોગી પ્લાઝામાં ખસેડાયા છે.

(12:21 pm IST)