Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભિયાન ખંભાળીયામાં કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા, તા.૧૭: અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ખંભાળીયા નગરપાલિકા હોલ ખાતે ગઇ કાલે તા.૧૫ ના રોજ મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભિયાન અંતર્ગત નગરપાલિકાના સદસ્ય, તથા કર્મચારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સંપૂર્ણ સારવાર મળે તે માટે રાજય સરકારના અવિરત પ્રયાસો રહયા છે. મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ અભિયાનનો મુખ્ય ઉદેશ કોરોના સંક્રમણને વોર્ડમાંથી આગળ વધતો અટકાવી દેવાનો છે. દ્યરમાં અન્ય વયકિતને કોરોનાનો ચેપ ન લાગે તેની તકેદારીના ભાગરૂપે હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ પોતે દ્યરે જ આઇસોલેશનમાં રહે અને જો દ્યરે આઇસોલેશનની સુવિધા ન હોય તો શહેરની કે અન્ય જાહેર સ્થળે શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં જ રહે તે જરૂરી છે. માનવ સેવા એજ પ્રભુ સેવા સમજીને સૌ સાથે મળીને કામ કરી આવનાર દિવસોમાં સૌના સહિયારા પ્રયાસો થકી દરેક ગામ અને શહેર કોરોના મુકત બને તેવી આશા વ્યકત કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલએ જણાવ્યું હતું કે મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભિયાનને સફળ બનાવવા અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ સબંધિત વિસ્તારના નર્સ તથા આશાવર્કરો સાથેની ટીમ તમામ દ્યરોની મુલાકાત લઇ દરેકના ખબર અંતર પુછી સર્વે કરે અને જો કોઇને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તેમને જરૂરીયાત મુજબની દવા આપે અને જરૂર જણાયે આઇસોલેશન સેન્ટરમાં દાખલ થવા જણાવવું.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ભાજપ અગ્રણી વી.ડી. મોરી, શૈલેષ કણઝારીયા, હસમુખભાઇ હિન્ડોચા, પ્રાંત અધિકારીશ્રી ગુરવ, ખંભાળીયા ચીફ ઓફીસર સહિતના અધિકારી કર્મચારી, નગરપાલિકા સદસ્યશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:27 pm IST)