Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજુલા-અમરેલી પંથકમાં વાવાઝોડાના કારણે અનેક લોકોના મકાન ધરાશાયી પતરા ઉડ્યા

ગાંધીનગર,તા. ૧૮: તૌકતે વાવાઝોડુ ઉના ખાતે રાત્રે ૯.૩૦ વાગ્યે ટકરાયુ હતું. વાવાઝોડાને પગલે દિવમાં ૧૩૩ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. વાવાઝોડાને કારણે દિવ-ઉનામાં ૩૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જયારે રાજુલા અને અમરેલીમાં વાવાઝોડાને કારણે અનેક લોકોના ઘર તૂટી ગયા હતા અને પતરા ઉડી ગયા હતા.

તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત અને મુંબઇમાં ભારે વરસાદ થયો હતો જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.પીએમ મોદીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તૌકતે તોફાનની તૈયારીની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ રાજયોને કેન્દ્રની પુરી મદદનો વિશ્વાસ અપાવ્યો હતો. NDRFની ૨ ટીમ પૂણેથી દાદરા નગર હવેલી અને દમણ દીવ પહોચી હતી. આ ટીમોએ ત્યા જઇને રાહત અને બચાવ કામ હાથ ધર્યુ હતું. સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને વાવાઝોડાને પગલે ૨૧ મે સુધી બંધ કરવામાં આવી છે.

આ પહેલા મુંબઇમાં તૌકતેની અસર જોવા મળી હતી. જયા આશરે ૩૦૦થી વધુ ઝાડ પડી ગયા હતા. સાથે જ ૬ લોકોના મોત થયા હતા. વાવાઝોડાને પગલે મુંબઇ અને ગોવા એરપોર્ટને કેટલાક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય આ વાવાઝોડુ ગોવા અને કર્ણાટકમાં પણ પોતાનો કહેર બતાવ્યો હતો. તૌકતે વાવાઝોડાને કારણે સુરતના ઉધના વિસ્તાર સહિતના અનેક વિસ્તારમાં ઝાડ પડી ગયા હતા. ઝાડને સુરક્ષિત ખસેડવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(3:00 pm IST)