Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

દિન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કચ્છમાં ૨૧૦ સખી મંડળોને ૨.૫૫ કરોડ રૂપિયાની લોન અપાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિના પગલે ટુરિઝમ હબ બનેલા કચ્છ જિલ્લામાં ૬૨૬૭ સ્વસહાય જુથો દ્વારા ગ્રામીણ મહિલાઓ હસ્તકલા અને અન્ય ઉત્પાદનો મારફત DAY-NRLM અંતર્ગત આત્મનિર્ભર બની રોજગારી મેળવે છે, ૬૪ કરોડની ક્રેડિટ લોન, ૧૭ કરોડનું રિવોલ્વિંગ ફંડ, કચ્છમાં બેન્કોની ૩૯૩ શાખા સખી મંડળો માટે કાર્યરત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮

 ભુજ ખાતે દિન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના હેઠળ સ્વસહાય જુથો માટે બેંક લિન્કેજ અન્વયે યોજાયેલા કેશ ક્રેડીટ કેમ્પમાં રૂ.૨.૫૫ કરોડ રૂ. જિલ્લાના ૨૧૦ સખીમંડળોને અપાયા હતા. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, સરહદી કચ્છ જિલ્લામાં ૬૨૭૬ સ્વસહાય જુથો દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના વિવિધ કૌશલ્યથી રોજગારી મેળવી રહી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દિર્ધદષ્ટીના પગલે ટુરિઝમ હબ બનેલા કચ્છમાં બહેનોની વિવિધ કારીગરી અને કૌશલ્યને સખીમંડળ સ્વસહાય જુથો દ્વારા બજારમાં મુકી વિશ્વ પ્રસિધ્ધ બનાવી છે. આહિર, રબારી, કચ્છી ભરતકામ, અજરખની કામગીરી કે વિવિધ કલાકારીથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં કેશ ક્રેડીટ લોનની બમણી રકમ અપાય છે જેને ૯૭ ટકા બહેનો નિયમિત રીતે પરત કરે છે.

બેંક ઓફ બરોડા ભુજના લીડ બેંક મેનેજરશ્રી એમ.કે.દાસે જણાવ્યું હતું કે, કચ્છમાં સક્રિય બેંકોમાં ૩૯૩ શાખા સખીમંડળો માટે કાર્યરત છે. બેંકની કામગીરીમાં કોઇ સમસ્યા થાય તો અમે સહાય માટે સક્રિય છીએ.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિસ્ટ્રીકટ લાઇવલીહુડ મિશનના શ્રી ભાવિનભાઇ સેંધાણીએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કેશ ક્રેડિટ લોન કેમ્પ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છમાં મિશન મંગલમ હેઠળ ૬૨૭૬ સ્વસહાય જુથો, ૭૪ બેંકસખી, ૧૨ બિઝનેસ કોરસપોન્ડન્ટ છે. રૂ.૬૪ કરોડ ક્રેડિટ લોન, રૂ.૧૭ કરોડ રિવોલ્વીંગ ફંડ અને કમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. રૂ.૧૨ કરોડથી વધુ સેલ્ફ હેલ્પગ્રુપ બચત થઇ કુલ રૂ.૯૩ કરોડ રકમ ધરાવતો પરિવાર છે. મિશન મંગલમની બહેનોએ ૯૭ ટકા લોન નિયમિત પરત કરી છે જેના ફળરૂપે બે વર્ષમાં સમીમંડળોને બે ગણી કેશક્રેડિટ લોન બેંક આપી રહી છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી રાધાબેન કાપડી અને લક્ષ્મી સખીમંડળના ગરવા કંકુબેને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ મંચસ્થ મહાનુભાવોએ શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ બેંક સખીને પ્રશસ્તિ પ્રમાણપત્ર અને ક્રેશક્રેડિટ લોનના ચેકનું વિતરણ કર્યુ હતું.

આભારવિધિ જિલ્લા આજીવિકા મિશન મંગલમના ખુશ્બુબેન ગોસ્વામીએ કરી હતી તેમજ જિલ્લાના લાભાર્થી અન્ય સખીમંડળોને તાલુકા કાઉન્ટર પરથી પણ મંજુરી પત્રો અપાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ તેમ જ અધિકારીઓએ ઉપસ્થિત રહી સખીમંડળોને સ્વનિર્ભર બનવા કેન્દ્ર સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનની કામગીરીને ગ્રામીણ મહિલાઓને આર્થિક પગભર બનાવવા માટે મહત્વની ગણાવી હતી.

(10:01 am IST)