Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ચોટીલા : ઉચાપત કેસમાં આણંદપરના આરોગ્‍ય કેન્‍દ્રના કલાર્કને ત્રણ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૮ : ચોટીલા તાલુકાના આણંદપુર પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરજ બજાવતા કલાર્કે વર્ષ ૨૦૦૧-૨૦૦૨માં રૂપીયા ૧,૨૮,૪૨૮ની ઉચાપત કરી હતી.

ᅠઆ અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતા સુરેન્‍દ્રનગર ચીફ જયુડીશીલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સજાનો હુકમ કર્યો છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્રમાં વર્ષ ૨૦૦૧-૨૦૦૨ દરમીયાન સીનીયર કલાર્ક તરીકે સાબરકાંઠાના ભીલોડા તાલુકાના આંબાબાર ગામે રહેતા લક્ષ્મણભાઈ થાવરાજીભાઈ ખરાડી ફરજ બજાવતા હતા.

ચોટીલા પીએચસી ખાતે નોકરીના સમય દરમીયાન સાથી કર્મીઓના પગાર બિલના નાણા, ટીએ બીલના નાણા તેઓને નહી ચુકવી ખોટી સહીઓ કરી ઉપાડી લીધા હતા. આ ઉપરાંત જીઈબીના બીલના નાણા પણ નહી ભરી કુલ રૂપીયા ૧,૨૮,૪૨૮ની હંગામી ઉચાપત કરી હતી. આ અંગેની ફરીયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ હતી. ત્‍યારે આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્‍દ્રનગર ચીફ જયુડીશીયલ ફર્સ્‍ટ કલાસ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ તુલસીબેન ડામોરની દલીલો, ૧૬ મૌખીક પુરાવા અને ૪૫ દસ્‍તાવેજી પુરાવાને ધ્‍યાને લઈ સુરેન્‍દ્રનગર ચીફ જયુડીશીયલ ફર્સ્‍ટ કલાસ કોર્ટના જજ બી.જી.પોપટે આરોપી લક્ષ્મણભાઈ થાવરાજીભાઈ ખરાડીને તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સજા અને રૂપીયા ૪ હજારનો દંડ કર્યો છે. જો તેઓ દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજાનો પણ હુકમમાં ઉલ્લેખ કરાયો છે.

(10:39 am IST)