Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પાંચવડા ગામમાં મનરેગામાં ભ્રષ્‍ટાચારની ફરિયાદ કરનાર ઉપર સરપંચ સહિત છ શખ્‍સોનો હૂમલો

ચોટીલા,તા.૧૮: ચોટીલા તાલુકાના પાચવડા ગામમાં મનરેગા યોજનામાં થયેલ કામોમાં ભ્રષ્ટાચાર થયા ની કલેક્‍ટર ને અરજી કરી ફરિયાદ કરનાર વ્‍યક્‍તિ ઉપર ગામના જ સરપંચ સહિતના છ શખ્‍સો એ ઘાતક હુમલો કરી ઇજા પહોચાડ્‍યાની ફરીયાદ નોધાંતા ચકચાર મચેલ છે.

રબારી પોલાભાઇ ભીમાભાઈ પરમારે મનરેગા યોજના હેઠળ થયેલ કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે તે બાબતે જીલ્લા કલેકટર ને અરજી કરેલ જેનું મનદુઃખ રાખી સોમવારના ફરીયાદી ના ઘરમાં પ્રવેશી પોલાભાઇ ઉપર નારણભાઇ વશરામભાઇ મેટાળીયા, મગનભાઇ વશરામભાઇ મેટાળીયા, રાયધનભાઇ વેલશીભાઇ મેટાળીયા, ગજાભાઇ મગનભાઇ મેટાળીયા, હકુડીયો છનાભાઇ મેટાળીયા, રસીકભાઇ વેલશીભાઇ મેટાળીયા એક સંપ કરી કુહાડી, ગુપ્તી, લાકડી જેવા હથિયારો ધારણ કરી હુમલો કરી નાસી છુટેલ હતા.

હુમલા બાદ ઇજાગ્રસ્‍તને લોહી નિકળતી હાલતમાં ૧૦૮ દ્વારા  વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવતા એએસઆઇ એમ.આર. રાજપરા એ રાજકોટ દોડી જઇ ફરીયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મલ્‍યા મુજબ સ્‍થાનિક પંચાયત ની ચૂટણી બાદ સ્‍થાનિક રાજકારણ ઝગડાનું મુળ હોવાની તેમજ અરજી બાદ કામની તપાસમાં અધિકારીઓ આવેલ જેઓ જતા રહ્યા બાદ હુમલાનો બનાવ બનેલ હોવાની ચર્ચા છે. તાલુકાનાં અનેક ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોના મનરેગા યોજના હેઠળ થયેલા કામોની તપાસ હાથ ધરાય તો અનેક ના તપેલા અભેરાઈ એ ચડે તેમ હોવાની ચર્ચા સાથે તપાસની બુમ ઉઠવા પામી છે.

આ ગુનામાં આરોપી તરીકે પાચવડાના સરપંચ, માધાંતા ગૃપના આગેવાન સહિતના સામે ફરિયાદી એ ગુનો નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

(11:47 am IST)