Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વેરા કમિશનરની કચેરીના હેડ કવાર્ટર મોરબીમાં રાખવા રજૂઆત

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૮: મોરબીમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાએ CM ભુપેન્‍દ્ર પટેલને પત્ર લખી વેરા કમિશનરની કચેરીના હેડ ક્‍વાર્ટર મોરબીમાં નિર્મિત કરવા માંગ કરી છે.

તેમને પત્રમાં જણાવ્‍યું હતું કે, નાણા વિભાગ ગાંધીનગરના તારીખ ૩૦/૯/૨૦૨૧ના જાહેરનામા અન્‍વયે સંયુક્‍ત રાજ્‍ય વેરા કમિશનરશ્રી વિભાગ-૧, તથા સંયુક્‍ત રાજ્‍ય કમિશનરશ્રી વિવાદ-૨ નું નવું કાર્યક્ષેત્ર ગાંધીધામ મુકામે કાર્યરત થયેલ છે. જેમાં મોરબીનું કાર્યક્ષેત્ર આ બંને કચેરીના કાર્યક્ષેત્ર ગાંધીધામમાં સમાવેશ કરવામાં આવ્‍યું છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક પ્રકારના મોટા ઉદ્યોગો આવેલા છે જેવા કે સિરામિક, ઘડિયાળ, પોલિપેક, વગેરે ઉદ્યોગો ખૂબ જ પ્રમાણમાં છે. સિરામિક ઉદ્યોગ નું એક્‍સપોર્ટ અંદાજે ૧૨ હજાર કરોડનું ટર્ન ઓવર થાય છે. આ એક્‍સપોર્ટના કારણે ઉદ્યોગને રિફંડ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. તેમજ S.G.S.T ની કામગીરી પણ મોટા પ્રમાણમાં રહે છે તો આ બંને કચેરીઓ ગાંધીધામ જવાથી મોરબી ને એકદમ અલગ પડે તેમ છે કારણકે ગાંધીધામ કચ્‍છ માં સામાજિક વ્‍યવહારો કે વ્‍યાપાર ને લગતા વ્‍યવહારો બિલકુલ નથી જે આજે રાજકોટમાં છે. જેથી અમોને આ બંને કચેરીનું હેડ કવોટર ગાંધીધામ પરવડે તેમ નથી.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, ભવિષ્‍યમાં નાયબ રાજ્‍ય કરવેરા કમિશનરશ્રીની કચેરી નવી કાર્યરત થાય તો તે પણ મોરબી મુકામે જ હેડકવોટર થાય તેવી અમારી રજૂઆત છે અને નાયબ રાજ્‍ય કરવેરા કમિશનરશ્રીની ૯૦ટકા કામગીરી હોય છે જે ગાંધીધામ મુકામે ઉદ્યોગકારોને દરરોજ S.G.S.T કામગીરી જેવી કે રીફંડ, આકારણી વગેરેની કામગીરી માટે ગાંધીધામ મુકામે વેપારીઓને જવું પરવડે નહીં. જેથી ભવિષ્‍યમાં નાયબ રાજ્‍ય કરવેરા કચેરી જુદી કરવાનું હેડક્‍વાર્ટર મોરબી મુકામે જ આપવા અમારી માગણી છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, મોરબી જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં આગવું સ્‍થાન ધરાવે છે. જેમાં અનેક પ્રકારના નાના મોટા ૨૫૦૦થી ૩૦૦૦ ઉદ્યોગો મળી આશરે રૂ. ૪૫થી ૫૦ હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે તેમાં આશરે બધા ઉદ્યોગો મળી રૂ.૧૦-૧૨ હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે આજે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારને આશરે ૧૫૦૦થી ૧૭૦૦ કરોડની મોરબી જિલ્લો કર ચૂકવે છે જો મોરબી જિલ્લો સરકારને આટલો કર ભરતો હોય તો સરકારને મોરબી જિલ્લાના તમામ પ્રકારની સરળતા મળે તેવી સુવિધા સરકારે આપવી જોઈએ.અમારી આ માગણીને ધ્‍યાને લઇને તમામ કચેરીઓ ના હેડક્‍વાર્ટર મોરબીમાં આપવા આવે અને જો સરકારીશ્રી મોરબીમાં હેડક્‍વાર્ટર ન આપી શકે તો મોરબી જીલ્લાના S.G.S.T ના તમામ વિભાગ રાજકોટ સાથે જોડાયેલા છે તે યથાવત રાખવા અમારી માગણી અને લાગણી છે.

(1:33 pm IST)