Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કેશોદ પોલીસે નાણાં પરત અપાવી દેતા ગરીબ પરિવાર ખુશખુશાલ

જૂનાગઢ, તા. ૧૮ :  જિલ્લાના કેશોદ ટાઉન ખાતે પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા એક દંપતીએ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતે પોતાના રૂપિયાનું સારું વળતર મળે અને પોતાની દીકરીના લગ્નમાં કામ આવે તેવા હેતુથી, દોઢેક વર્ષ પહેલા બામણાશા ઘેડ તા. કેશોદના એક વ્‍યક્‍તિને લાલચમાં આવી, રૂ. ૧,૮૦,૦૦૦/- રોકડા આપેલ હતા. રૂપિયા આપ્‍યા બાદ બામણાશા ગામના વ્‍યક્‍તિએ કોઈ વળતર તો ના આપ્‍યું, ઉલ્‍ટા પોતાની દીકરીના લગ્ન નજીક હોવાથી મુદ્દલ રૂ. ૧,૮૦,૦૦૦/- માંગવા છતાં, હાથ ઊંચા કરી દીધા. ગરીબ દંપતી દ્વારા આ વ્‍યક્‍તિને વિશ્વાસે રૂપિયા કોઈપણ લખાણ વગર આપ્‍યા હોઈ, તેણે હાથ ઊંચા કરી દેતા, દંપતી મૂંઝાયેલા હતું અને પોતાની દીકરીના લગ્ન માટે બચાવેલ રૂપિયા ખોવાનો વારો અને પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

ંજૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી.બી.કોળી, સ્‍ટાફના હે.કો. જયેશભાઇ શામળા, સંજયસિંહ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળા અને એના દીકરાને બોલાવી, સમજાવતા, પહેલા ગલ્લા તલ્લા કર્યા બાદ, અરજદારની વાત સ્‍વીકારી લઈ, તાત્‍કાલિક રૂ. ૧,૩૦,૦૦૦/- જેટલી રકમ રૂબરૂ સોંપી આપેલ હતી તેમજ બાકીના રૂ. ૫૦,૦૦૦/- દિવાળી સુધીમાં પાછા આપી દેવા સહમત પણ થયા હતા. આ બાબતનું નોટરી લખાણ સોગંદનામુ પણ કરી આપેલ હતું. કેશોદ ખાતે રહેતા સામાન્‍ય પરિસ્‍થિતિ ધરાવતા અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. 

(1:44 pm IST)