Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ખંભાળીયાના વતની ઉચ્‍છંગરાય નવલશંકર ઢેબર ૧૯૪૮ થી ૧૯પ૪ સૌરાષ્‍ટ્ર રાજયના મુખ્‍યમંત્રી હતા...!!: આજની નવી પેઢી અજાણ...!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : આજના યુવાનો ખાસ કરીને દ્વારકા જિલ્લાના  ને એ પણ ભાગ્‍યે જ ખબર છે કે ૧લી મે ૧૯૬૦ ના ગુજરાત રાજય બન્‍યું તે પહેલા સૌરાષ્‍ટ્ર રાજય હતું અને તેના મુખ્‍યમંત્રી ખંભાળીયાના હતાં....!!

ગુગલમાં સર્ચ કરો તો સૌરાષ્‍ટ્ર રાજય વિષે માહિતી મળે મુખ્‍યમંત્રી ઇચ્‍છંગરાય ઢેબરનું નામ પણ મળે પણ તેઓ જામનગરના ગામડાના દેખાડે છે તે ખરેખર ખંભાળીયાના હતાં...!!

ભારતના સ્‍વાતંત્ર્ય સેનાની ઉચ્‍છંગરાય ઢેબર ખંભાળીયાના નાગર બ્રાહ્મણ અને વ્‍યવસાયે વકીલ હતા પણ મહાત્‍મા ગાંધીની પ્રેરણાથી વ્‍યવસાય છોડી સમાજ સેવામાં જોડાયા અને ૧૯૪૮ માં સૌરાષ્‍ટ્ર રાજય બન્‍યું તેના પ્રથમ મુખ્‍યમંત્રી તેઓ બન્‍યા અને ૧૯પ૪ સુધી રહ્યા તથા ૧૯પપ થી ૧૯પ૯ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના અધ્‍યક્ષના મહત્‍વના પદ પર તેઓ હતા તથા ગાંધીવાદી વિચારસણીના પ્રભાવિત તેમણે ગુજરાતી, હિન્‍દી તથા અંગ્રેજીમાં રચનાઓ પણ કરેલી છે.

ર૧-૯-૧૯૦પ ના જન્‍મેલા તથા ૧૯૭૭ માં મૃત્‍યુ પામનાર ઢેબરભાઇ ને રાજકોટ રાજયનો વહીવટ નાણા વગરની સ્‍થિતિનો મળેલો, અને ખાનગી પેઢી પાસેથી લોન લઇને આ ‘નાગર બચ્‍ચા' એ રાજયને સધ્‍ધર બનાવેલું હતું.

સાદું જીવન રાજકોટમાં  બે રૂમના ઘરમાં ફર્નીચર વગર રહેતા ઢેબરભાઇ શેતરંજી પર બેસીને પાછળ ઓશીકુ રાખીને  લોકોના પ્રશ્નો સાંભળતા તથા આઝાદીની ચળવળમાં પણ જોડાયેલા હતાં.

હાલ ખંભાળીયા શહેર નજીકના ગામોને સિંચાઇ તથા રપ ઉપરાંત ગામોને પીવાના પાણીની સુવિધા પુરી પાડતો ઘી ડેમ તેમની સેવાનું પરિણામ છે તે ભાગ્‍યે જ કોઇને ખબર છે...!!

સૌરાષ્‍ટ્રમાં કુટીર ઉદ્યોગોને આગળ વધારવાનું શ્રેય તેમને જાય છે. ખંભાળીયા ના વતની ઢેબરભાઇ રાજયના મુખ્‍યમંત્રી હતા પણ તેમની સ્‍મૃતિ માટે ખંભાળીયા માં કંઇ જ નથી હા. રાજકોટમાં ઢેબર રોડ તથા એરપોર્ટમાં તેમનું નામ જોડાયેલું છે તે ઢેબરભાઇ ખંભાળીયાના હતા તે ભાગ્‍યે જ યુવા પેઢીને ખબર છે. ત્‍યારે મુળ ખંભાળીયાના હાલ લંડન રહેતા જગદીશભાઇ ગણાત્રાએ તાજેતરમાં સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી આ જાણકારી આપતા અગ્રણીઓએ પણ તેની નોંધ લીધી છે.

(2:49 pm IST)