Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ચુડાના ભાણેજડા ગામથી દારૂ અને બીયરની 2692 બોટલો સાથે 2 શખ્સો ઝડપાયા :9.24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

દારૂ-બીયરનો જથ્થો મંગાવનાર 2 બુટલેગરો સહિત 4 શખ્શો વિરૂધ્ધ ફરિયાદ દાખલ

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ભાણેજડા ગામથી દારૂ અને બીયરની 2692 બોટલો સાથે 2 શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસ ટીમે 9.24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂ-બીયરનો જથ્થો મંગાવનાર 2 બુટલેગરો સહિત 4 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

   ચુડા તાલુકા વિસ્તારોમાં દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા PSI એચ.જી.ગોહીલ અને પોલીસ ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કામગીરી હાથ ધરી હતી. ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાણેજડા ગામના પ્રવિણ રાણીંગભાઈ ભાંભળા અને યુવરાજ દુલાભાઈ ભાંભળા જેઓ બન્ને ઘણાં દારૂના કેસો તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છે. કાયદાની માયાજાળથી પરિચિત હોવાથી પોતાના બચાવ માટે બહારથી દારૂ-બીયરનો જથ્થો મંગાવી મકાન, વાડી જેવા સ્થળે રાખવાને બદલે સ્મશાન પાસેના ખરાબામાં ઉતાર્યો છે.

ચુડા પોલીસ ટીમે આ  જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડામાં દારૂ-બીયરની 2692 બોટલો કિંમત રૂ. 7,24,400 સાથે ચુડાના કોરડા ગામના ઘનશ્યામ વજાભાઈ ચુ.કોળી અને કરણ દેવજીભાઈ ચુ.કોળી ઝડપી પાડ્યા હતા. દારૂની હેરાફેરી કરતી બોલેરો કાર મળી કુલ 9,24,400 રૂ.નો મુદ્દામાલ કબજે કરી દારૂ-બીયરનો જથ્થો મંગાવનાર 2 બુટલેગરો સહિત 4 ઈસમો વિરૂધ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

(11:41 am IST)