Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મહિલા કંડકટર સાથેના અશ્લિલ સંવાદ મામલે એસટીના ટ્રાફીક ઇન્સ.ને સસ્પેન્ડ કરવા તજવીજ

વિભાગીય નિયામક જી.ઓ.શાહ આકશ પાણીએઃ મહિલા સેલ દ્વારા તપાસનો ધમધમાટ

જુનાગઢ તા.૧૮ : મહિલા કંડકટર સાથેના અશ્લિલ સંવાદ મામલે જુનાગઢ એસ.ટી.વિભાગીય નિયામક જી.ઓ.શાહે એસટીના ટ્રાફીક ઇન્સ્પેકટર રામકુ ગીડાને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે.

જુનાગઢ લાઇન ચેકીંગ સ્ટાફના ઇન્ચાર્જ અને ભારતીય મઝદુર સંઘના રામકુભાઇ ગીડાએ એક મહિલા કંડકટર સાથે અશ્લિલ ટેલીફોનીક સંવાદ કર્યો હોવાનો ઓડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઇ હતી.

આ મહાશયે આડકતરી રીતે મહિલા કંડકટર પાસે બિભત્સ માંગણી કરી હોવાનું ઓડિયોમાં જણાવ્યું હતું.

આ ઓડિયો કલીપ ધ્યાન પર આવતા જુનાગઢ એસ.ટી. ડીવીઝનના ડીવીઝનલ કંટ્રોલર જી.ઓ. શાહે તાત્કાલીક અસરથી એસ.ટી.ના મહિલા સેલને તપાસનો આદેશ જારી કર્યો હતો.

વિભાગીય નિયામક શ્રી શાહે સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, એસ.ટી.ના ટ્રાફીક ઇન્સ્પેકટર રામકુભાઇ ગીડાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને એસ.ટી.ના મહિલા જાતીય સતામણી સેલના અધિકારીને તપાસ કરી તાત્કાલીક તપાસ રિપોર્ટ આપવા જણાવ્યું છે.

અશ્લિલ સંવાદ ઓડિયો મામલે વિભાગીય નિયામકે આકરી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો છે.

(12:58 pm IST)