Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સુરેન્દ્રનગરની આંગડિયા પેઢી સાથે ૨૪.૬૨ લાખની ઠગાઇમાં બ્રિજેશ પાડલીયાને ક્રાઇમ બ્રાંચે પકડ્યો એક સમયે શહેરમાં ચાર-પાંચ ફોટો સ્ટુડિયો ધરાવતાં બ્રિજેશે ખોટુ નામ ચંદ્રેશ ધારણ કરી ઠગાઇ કરી હતી

ક્રાઇમ બ્રાંચના ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી પકડી સુરેન્દ્રનગર પોલીસને સોંપાયો

રાજકોટ તા. ૧૮: સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢી સાથે ખોટુ નામ આપી રૂ. ૨૪,૬૨,૭૩૦ની ઠગાઇ કરવાના ગુનામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ૧૫૦ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે આર્યમાન સોસાયટી બ્લોક નં. ૨૧માં રહેતાં બ્રિજેશ કાંતિલાલ પાડલીયા (વાળંદ) (ઉ.વ.૩૯)ને પકડી લઇ સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસને સોંપવા તજવીજ કરી છે.

સુરેન્દ્રનગર દરબાર સોસાયટી બ્લોક નં. ૧૧ નટવર પાર્કમાં રહેતાં અને મહેતા માર્કેટ ડિસ્ટ્રીકટ બેંકવાળી ગલીમાં વિશ્વમ આંગડિયા નામે પેઢી ચલાવતાં ચૈતન્યસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૪૧)એ સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ભરતભાઇ અને ચંદ્રેશભાઇ નામે ફોનથી વાત કરી અલગ અલગ નામ સરનામા લખાવી તેમને વિશ્વાસમાં લઇ રૂ. ૨૪,૬૨,૭૩૦ની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ચૈતન્યસિંહ ૧૨/૬ના રોજ કાકાના દિકરા સાથે ઓફિસમાં હતાં ત્યારે મોબાઇલમાંથી ફોન આવ્યો હતો અને ગ્રાહક ચંદ્રેશભાઇ (રહે. સુરેન્દ્રનગર)ના કહેવા મુજબ રૂ. ૫૦૦૫૦૦ આપેલ અને દિલ્હી ચાંદની ચોકમાં આવેલ એનઆર એન્ટરપ્રાઇઝમાં ભરતભાઇને મોકલાવ્યા હતાં. જે તે વખતે ૫ લાખ ભરતભાઇને મળી પણ ગયા હતાં.

એ પછી ૧૪/૬ના રોજ અમારી પેઢીમાં ફોન પર ગ્રાહક ચંદ્રેશભાઇના કહેવાથી હળવદ એચ. એમ. એન્ટરપ્રાઇઝમાંથી રૂ. ૧ લાખ મોકલેલ અને બીજા વ્યવહાર કર્યા હતાં. એ પછી ચંદ્રેશભાઇ પેઢી પર રૂબરૂ આવેલ અને રોકડા રૂ. ૩૫૨૫૦ આપેલ. કુલ રૂ. ૨,૫૦,૨૫૦ કમિશન સહિત ચંદ્રેશભાઇના કહેવાથી દિલ્હી ચાંદની ચોકની પેઢીમાંથી ભરતભાઇને મોકલેલા જે તેને મળી ગયા હતાં.

આ રીતે અલગ અલગ વ્યવહારો તેણે કર્યા હતાં. છેલ્લે ચંદ્રેશભાઇએ ફોન બંધ કરી દીધો હતો. તેની પાસેથી કુલ રૂ. ૨૪,૬૨,૭૩૦ લેવાના થતાં હતાં. પરંતુ તેણે આપ્યા નહોતાં. દિલ્હી, રાજકોટ અને બાવળા ખાતેના તેના માણસો મારફત તેણે વિશ્વાસ કેળવી પૈસાના વ્યવહાર કરાવ્યા હતાં. પણ છેલ્લે રકમ આપી નહોતી.

આ ગુનામાં સામેલ શખ્સે રાજકોટની આંગડિયા પેઢીમાં પણ પૈસા મોકલ્યા હોઇ કોન્સ. મેહુલભાઇ મકવાણા રાજકોટ ખાતે તપાસ કરવા આવતાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના મુજબ એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ સહિતના મદદમાં જોડાયા હતાં.

સુરેન્દ્રનગરની વિશ્વમ આંગડિયા પેઢી અને રાજકોટના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મોઢે માસ્ક, ટોપી પહેરલો દેખાતો શખ્સ ઓળખાઇ શકે તેમ નહોતો. એ પછી કોન્સ. ચેતનસિંહ ગોહિલને બાતમી મળી હતી કે ચંદ્રેશ નામનો જે શખ્સ છે એ ખરેખર ચંદ્રેશ નહિ પણ રાજકોટમાં રહેતો બ્રિજેશ પાડલીયા છે. આ માહિતીને આધારે બ્રિજેશને દબોચી લઇ સુરેન્દ્રનગર પોલીસને સોંપાયો છે. આ શખ્સ અગાઉ શહેરમાં ચાર-પાંચ ફોટો સ્ટુડિયો ધરાવતો હતો. પરંતુ હાલમાં બેકાર થઇ ગયો હોઇ ઠગાઇના રવાડે ચડી ગયો હતો.

(4:12 pm IST)