Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જેતપુર એસ. ટી. ડેપો ના ટી. આઇ.ને મહિલા કંડકટરને કરેલ ગરેવર્તણૂકના આધારે સસ્પેન્ડ કરાતાં ચકચાર જાગી

મહિલા પાસે આડકતરી રીતે શારિરીક સંબંધોની માંગણી કરી હોય તેવી ઓડીઓ કલીપ વાયરલ થતા ખળભળાટ

જૂનાગઢ એસ.ટી.ડેપોની  મહિલા કંડક્ટર સાથે ગરેવર્તણૂક થયાની અને કથિત રીતે ઉપરી અધિકારી દ્વારા  શારિરીક સંબંધો કેળવવાની માંગણી કરતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. આ કથિત વાયરલ ક્લિપમાં મહિલા કંડક્ટરની સાથે જેતપુર ડેપોના એક ટી.આઈ.એ મહિલા પાસે આડકતરી રીતે શારિરીક સંબંધોની માંગણી કરી હોય તેવું લાગી રહ્યુ છે. જોકે, મહિલા કંડક્ટર આ વાતને અસાહજિકતાથી લઈને 'મને કઈ સમજાતું નથી તમે અધિકારી થઈને શું કહી રહ્યો છો?' તેવું કહી દેતા સામેની વ્યક્તિએ વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે. ખેર આ ઓડિયો ક્લિપ વોટ્સએપ વાયરલનો વિષય બની જતા આખરે સમગ્ર એસટી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ખળભળાટના પગલે વાયરલ ઓડિયો ક્લિપની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેતપુર ડેપોના ટી.આઈ. ને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 એક તરફ જામનગરની જી.જી. હૉસ્પિટલમાં મહિલા સ્ટાફ સાથે શારિરીક સંબંધની માંગણીઓનો વિષય ખૂબ ચર્ચામાં આવ્યો છે, આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે ત્યારે સરકારના જ બીજા વિભાગ એસ.ટી.ના નામે વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપે ચકચાર જગાવી છે

(7:28 pm IST)