Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જૂનાગઢના પસવાડા ગામના સરપંચનો નવતર પ્રયાસ : દારૂ પીતા અને વેચનારને ઢોલ વગડાવીને આપી સખત ચેતવણી

સરપંચ દ્વારા દારૂબંધીનો ઢંઢેરો પીટતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ

જૂનાગઢના ભેંસાણમાં આવેલા પસવાડા ગામના સરપંચ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પસવાડા ગામમાં દારૂના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકોના મોત થતા ગામની મહિલાઓ વિધવા બની ગઈ છે. જેને લઈને પસવાડા ગામના સરપંચે દારૂબંધી માટે અનોખો રસ્તો અપનાવ્યો છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય છે. અનેક પ્રયાસો છતાં યુવાઓ આ નશામાં ડૂબતા જોવા મળે છે. આ બધાની વચ્ચે જૂનાગઢના ભેંસાણમાં આવેલા પસવાડાના સરપંચ દ્વારા દારૂબંધી કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. સરપંચે આખા ગામમાં ઢોલ વગાડીને દારૂ બનાવતા અને દારૂ વેચનારા લોકોને સુધરી જવાની ચેતવણી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢથી આશરે 40 કિમી દૂર આવેલા પસવાળા ગામમાં 700 લોકોની વસતિ રહે છે. જેમાંથી મોટાભાગના લોકો દારૂનું સેવન કરે છે. ગામમાં અનેક જગ્યાઓ પર દારૂનું વેચાણ કરવામાં આવે છે. છેલ્લા થોડા સમયમાં ગામમાં દારૂનું દૂષણ ફેલાતા 15 થી 22 મહિલાઓ વિધવા બની ગઈ છે. જેથી કરીને ગામના સરપંચ કડક પગલા લેવા મજબૂર બન્યા હતા. ત્યારે સરપંચ દ્વારા દારૂબંધીનો ઢંઢેરો પીટતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. જેને હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. ત્યારે સરપંચ દ્વારા દારૂબંધીને રોકવાના આ નવતર પ્રયાસને લોકો દ્વારા પણ ખૂબ સમર્થન આપવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ઢોલ વગાડીને ઢોલી કહે છે કે, સાંભળો,સાંભળો,સાંભળો, પસવાડા ગામના સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહી. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ તેના વિરુદ્વ કડક કાર્યવાહી કરશે

અત્રે ઉલ્લેખનીય છે કે,. આ વીડિયો વાયરલ થતા જૂનાગઢ જિલ્લામાં કેવી દારૂબંધી છે. તેને લઈને જૂનાગઢ પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી રહી છે. તે સામે આવી રહ્યું છે. તેમજ આ દારૂ કેવી રીતે લાવવા અને વેચાણ કરવામાં આવે છે. તેને લઈને પણ કેટલાક સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

(11:25 pm IST)