Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે

ધોળાવીરા ખાતે કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે :તમામ નાગરિકોને નજીકના યોગ સ્થળે યોગમાં જોડાવા કલેક્ટર પ્રવીણા ડી.કે નો અનુરોધ:જિલ્લામાં ૩૯૦૦ સ્થળોએ યોગ દિવસે મનાવાશે

ભુજ :કલેકટર પ્રવીણા ડી.કે ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે તારીખ ૨૧મી જૂને  યોજાનાર આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ હતી .મીડિયાકર્મીઓને સંબોધતા કલેકટરએ જણાવ્યું હતું કે,” વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે ભારત સરકારના ૭૫ આઇકોનિક સ્થળોમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ધોળાવીરા ખાતે કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે . ગુજરાત રાજ્યમાં ૭૫ આઇકોનિક સ્થળો પર યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લાના સાત સ્થળોનો પણ તેમાં સમાવેશ થાય છે.જેમાં ૧. ધોળાવીરા ,૨. સફેદ રણ ધોરડો, ૩. લખપત ગુરુદ્વારા, ૪. આઈના મહેલ,૫. વિજય વિલાસ પ્લેસ-માંડવી,૬. માંડવી બીચ,૭. મુન્દ્રા પોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

21 જૂન યોગ દિવસે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ધોરડો ખાતે યોજાશે તેમજ ૧૦ તાલુકા ખાતે, સાત નગરપાલિકાઓમાં ૧૮૮૨ પ્રાથમિક શાળાઓ ખાતે,૪૮૩ માધ્યમિક શાળાઓ ખાતે, ૪૪ કોલેજો તેમજ યુનિવર્સિટી ખાતે ,૧૦ આઇટીઆઇ ખાતે, ૫૨૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે,પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ખાતે ,બે જિલ્લા પોલીસ હેડક્વાટર, પાલારાજેલ ,ગળપાદર જેલ તથા ૩૧ પોલીસ સ્ટેશન ખાતે તેમજ ૭૧૨ ગ્રામ્ય કક્ષાએ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે અને તમામ ગ્રામ પંચાયતોમાં યોગ નું આયોજન કરાએલ છે . જિલ્લામાં કુલ ૩૯૦૦ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગના કાર્યક્રમ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે . તમામ નાગરિકોને નજીકના યોગ સ્થળે યોગમાં  જોડાવા કલેક્ટર પ્રવીણા ડી.કે એ અનુરોધ  કર્યો હતો . કલેકટરએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેમના રહેઠાણની નજીક યોજાતાં યોગમાં તેઓ જોડાય. યોગપ્રેમીઓએ સવારે ૬;૦૦ કલાકે નિયત સ્થળોએ ભેગા થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમગ્ર સ્થળોએ વર્ચ્યુઅલી જોડાશે.  

નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતુ કે ,યોગને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. વડાપ્રધાનશ્રીના સૂચનને ધ્યાનમાં રાખીને વિશ્વના મોટા ભાગના (૧૭૦) દેશો એ ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે અને આજે વિશ્વભરમાં યોગની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણી વર્ષ ૨૦૧૫માં કરવામાં આવી હતી. આજે આપણે આઠમો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આઠમાં વિશ્વ યોગ દિવસની થીમ “ YOGA FOR HUMANITY” (માનવતા માટે યોગ) રાખવામાં આવી છે.

 પત્રકાર પરિષદમાં સર્વ નાયબ માહિતી નિયામક મિતેશભાઈ મોડાસીયા ,જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણ તેમજ જિલ્લાના સર્વે મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

(1:03 am IST)