Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવા માંગ

સંસદમાં બિલ લાવી ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવા નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  સમગ્ર ભારતમાં હિન્દુઓ ગાયને માતા તરીકે અહોભાવથી પુજે છે અને તેને માતા તરીકેનો દરજ્જો મળેલો છે. હિન્દુ શાસ્ત્રો તો ગાયમાં ૩૩ કોટી દેવતાનો વાસ હોવાનું જણાવે છે આવા અનેક ગુણો સંપન ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર દ્વારા કરવામાં આવી છે.

          સંસ્થાના મંત્રી મયુર બોરીચાએ પત્રમાં માંગ કરતા જણાવ્યું છે કે ભારતમાં દિવસો દિવસ વધી રહેલા ગૌવંશ પરના અત્યાચારો અટકાવવા માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તો જ ગાય પર અને ગૌવંશ પર થતા અનેક પ્રકારના અત્યાચારો પર અંકુશ આવી શકે સાથે રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાથી આ પશુ ધન વિશિષ્ટ શ્રેણીમાં આવી જતા તેની વધુ સારી રીતે સાર સંભાળ રાખી શકાય અને ગેરકાયદેસર થતી ગૌવંશની કત્લેઆમ અને તસ્કરી પર પણ લગામ આવી શકે અને અતિ મૂલ્યવાન એવા ગૌવંશને  બચાવી શકાય.
     ભારતનો ઇતિહાસ ગવાહ છે કે ગાયોના ઘણો બચાવતા અને ગાયોની રક્ષા કરતા અનેક લોકોએ પોતાના જીવનની આહુતિ આપી છે. વર્તમાન સમયમાં ગૌવંશને બચાવવો એ સમયની માંગ છે અને તે માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તો કરોડો  હિન્દુઓની ધર્મ ભાવના સાથે જીવદયાનું પણ મોટું કામ થઇ શકશે  આ બાબતે સંસદમાં  નિયમાનુસાર જે પ્રક્રિયા કરવાની થતી હોય તે કરી બિલ લાવી  ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવા માટે યોગ્ય કરવામાં આવે તેમ પત્રમાં જણાવાયું છે

(10:36 am IST)