Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જૂનાગઢ ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર બનવા માટે ‘નેટ'ની પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન વ્‍યાખ્‍યાન શ્રેણીની શરૂઆત

સમાજશાષા ભવન દ્વારા યુજીસી નેટ માટેના પ્રોગ્રામ ‘પ્રશિક્ષણમ -૩'માં સમગ્ર દેશમાંથી ઉમેદવારો જોડાયા : વિદ્યાર્થીઓને રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે યુનિવર્સિટી સદાય તત્‍પર છેઃ કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮: ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનાં સમાજશાષા વિભાગ દ્વારા જૂલાઈ ૨૦૨૨મા લેવાનાર યુજીસી નેટની પરીક્ષાને ધ્‍યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે ‘પ્રશિક્ષણમ્‌' અંતર્ગત ઓનલાઈન વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન કરવામાં આવેલ છે. આ ટ્રેનીંગ પ્રોગ્રમમાં ગુજરાત સહીત ભારતની જૂદી જૂદી યુનિવર્સિટીઓમાંથી ૪૦૦  જેટલા અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓએ રજીસ્‍ટ્રેશન કરાવેલ છે. વિનામૂલ્‍યે યોજાયેલ આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં યુજીસી નેટની પરીક્ષાના સંદર્ભમાં પેપર ૧ અને ૨ માટે  તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

‘પ્રશિક્ષણમ્‌' ટ્રેનીગ પ્રોગ્રામનો પ્રારંભ ગઈકાલ તા.૧૬/૦૬/૨૦૨૨નાં રોજ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદીની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમના પ્રારંભે પોતાના અધ્‍યક્ષીય પ્રવચનમાં કુલપતિશ્રીએ આજના સ્‍પર્ધાત્‍મક સમયમાં સમાજશાષા વિભાગની વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિને બિરદાવી હતી. સાથે સાથે સહભાગી વિદ્યાર્થીઓને યુજીસી નેટની પરીક્ષામાં તેમજ તમામ ક્ષેત્રોમાં સફળતા મળે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓને રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે યુનિવર્સિટી સદાય તત્‍પર છે તેવું પણ અંતમાં કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું હતું. યુનિવર્સિટીના સરકાર નિયુક્‍ત સિન્‍ડીકેટ મેમ્‍બર ડો.જયભાઈ ત્રિવેદીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ ઉપરાંત ઓપનિંગ સેરેમની લેક્‍ચરમાં વિષય નિષ્‍ણાંત તરીકે એ.જી. ટીચર કોલેજ, અમદાવાદના અધ્‍યાપક ડો. જી. એસ. પટેલે યુજીસી નેટ પરીક્ષાના પ્રથમ પેપરની તૈયારી કઈ રીતે કરવી ? આ પેપરમાં ક્‍યા ક્‍યા મહત્‍વના મુદાઓ છે ? તે અંગે વિદ્યાર્થીઓને વિસ્‍તારપૂર્વક માહિતી આપી હતી. લેકચરને અંતે પ્રશ્નોતરી પણ રાખવામાં આવી હતી. આ સમ્રગ ટ્રેનીગ પ્રોગ્રામમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ વિષય નિષ્‍ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

વ્‍યાખ્‍યાન શ્રેણીના ઓપનિંગ સેરેમનીમાં સમાજશાષા વિભાગના અધ્‍યક્ષ અને પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. જયસિંહ ઝાલા દ્વારા સ્‍વાગત પ્રવચન સાથે સમગ્ર શ્રેણીની રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ડો. પરાગ દેવાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું. અંતમાં આભારવિધિ ડો.ઋષિરાજ  ઉપાધ્‍યાય દ્વારા કરાઈ હતી અને ટેકનિકલ સપોર્ટ પાર્થ જેઠવાએ પૂરો પડ્‍યો હતો.

(11:26 am IST)