Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

માળીયામિંયાણા કન્‍યા શાળામાં અન્‍ડર ગ્રાઉન્‍ડ ટાંકી બેસી ગઇ : ત્રણ બાળકોનો બચાવ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : માળિયા મિંયાણામાં આવેલી કન્‍યા શાળામાં બાળકો રમતા હોય ત્‍યારે ગ્રાઉન્‍ડમાં આવેલ અન્‍ડર ગ્રાઉન્‍ડ પાણીની ટાંકી બેસી ગઈ હતી જેથી ત્રણ બાળકો ટાંકીમાં ખાબક્‍યા હતા જે ત્રણેય બાળકોને બચાવી લેવાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયામાં આવેલ કન્‍યા શાળાની અન્‍ડર ગ્રાઉન્‍ડ પાણીની ટાંકી ધરાશાયી થઇ હતી અને પાણીની ટાંકી બેસી જતા રમી રહેલા ત્રણ બાળકો ખાબક્‍યા હતા જોકે પાણીની ટાંકી વર્ષોથી બંધ હાલતમાં હતી અને પાણી ના હતું જેથી ત્રણ બાળકોને તુરંત બહાર કાઢવામાં આવ્‍યા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી જે બનાવની જાણ થતા નાયબ મામલતદાર તેજસ પટેલ અને ડીઈઓ બી એમ સોલંકી સ્‍થળ પર દોડી ગયા હતા અને બનાવ મામલે રોજકામ કરવામાં આવ્‍યું હતું.

બપોરે વિદ્યાર્થીઓ મધ્‍યાહન ભોજન લઇ રહી હતી ત્‍યારે શાળાના કેમ્‍પસમાં આવેલ જુનો અન્‍ડર ગ્રાઉન્‍ડ ભૂગર્ભ ટાંકો જે માટી પથ્‍થરોથી ભરેલ હોય, ટાંકાના સ્‍લેબ કુદરતી રીતે બેસી ગયેલ છે ઘટના સમયે શિક્ષકો હાજર હોય એકપણ વિદ્યાર્થીનીને કોઈપણ શારીરિક ઈજા કે નુકશાન થયું નથી તેમજ ગામ લોકોની હાજરીમાં ભૂગર્ભ ટાંકાની માટી બહાર કાઢી ચકાસણી કરતા કોઈ જોવા મળ્‍યો નથી.

તાલુકા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકા વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં રોજકામ કરાયું હતું અને કોઈ જાનહાની થઇ ના હોવાનું ખુલ્‍યું છે તેમજ સોશ્‍યલ મીડિયામાં ખોટા મેસેજ વહેતા થયા છે જે સત્‍યથી વેગળા હોવાનું પણ જણાવવામાં આવ્‍યું છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થયાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્‍યું હતું

(12:35 pm IST)