Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જુનાગઢના વસવાડા ગામની મીની દિવ તરીકેની છાપ ભુસવા સરપંચે દારૂબંધીનો ઢોલ પીટીને કડક અમલનો આદેશ આપ્‍યો

ગામના લોકોને દારૂ પીવો અને બનાવવો નહીં તે માટે અપીલ કર્યા બાદ દારૂનું દુષણ ઘટયુ

જુનાગઢઃ ગુજરાતના ઘણા ગામડાઓમાં દારૂ પીવાય છે. તેમાં જુનાગઢના પસવાડા ગામ પણ છે. દારૂના લીધે મીની દિવ તરીકે ઓળખાતા આ ગામના સરપંચે દારૂબંધીનો ઢંઢેરો ઢોલ વગાડી પીટતા લોકો તેના વખાણ કરતા થાકતા નથી. તેનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે.

દારૂબંધીનો ઢંઢેરો પીટતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોના વખાણ કરી રહ્યાં છે અને શેર પણ કરી રહ્યાં છે. ત્યારે આ વીડિયો ક્યાંનો છે તે પણ સામે આવી ગયુ છે. જુનાગઢના પસવાડા ગામના સરપંચે ઢોલ વગાડી ગામમા લોકોને દારૂ પીવો નહી અને દારૂ બનાવો નહિ તેવી અપીલ કરે છે. તેમની આ અપીલ એટલી તલસ્પર્શી છે કે લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સ્થિતિ એવી છે કે ગુજરાતના ગામે ગામે અહીં દારૂની ભઠ્ઠીઓ અને દારૂડિયા જોવા મળશે. પરંતુ દારૂની બદીથી કંટાળેલા એક સરપંચે એવુ કર્યુ કે ચારેતરફ તેમની વાહવાહી થઈ ગઈ. જુનાગઢના પસવાડા ગામના સરપંચે ઢોલ વગાડી ગામમાં લોકોને દારૂ પીવો નહી અને દારૂ બનાવો નહી તેવી અપીલ કરી છે. તેમની આ અપીલ લોકોને સ્પર્શી ગઈ છે. પસવાડા ગામમાં લોકોને દારૂની લત એવી લાગી કે લોકો તેને મિની દીવ તરીકે ઓળખવા લાગ્યા. દારૂના લીધે ગામની અનેક મહિલાઓ વિધવા બની અને અનેકોના ઘરના યુવાનો બરબાદ થયા.

ગામ દારૂની બદીમાં હોમાતા ગામના સરપંચ જયસિંહ ભાટીને એવો વિચાર આવ્યો કે, કંઈક કરવુ જોઈએ, જેથી દારૂનુ દૂષણ બંધ થઈ જાય. ગામમાં દારૂ પીવાવાળા વધી ગયા હતા. દારૂના કારણે ગામની 15થી 22 મહિલા વિધવા બની ગઈ છે. ફક્ત પસવાળા ગામ જ નહીં, કરિયા, સમતપરા, માલીડા વગેરે ગામોમાં પણ દારૂની બદી ફેલાયેલી છે. તેથી સરપંચને ગામની આ છાપ ભૂંસવી હતી. તેથી તેમણે ગામમાં દારૂબંધીના ઢોલ વગાડ્યા.

જે વીડિયો વાયરલ થયો છે તેમાં ઢોલી બોલે છે કે, 'સાંભળો સાંભળો સાંભળો, આજથી તારીખ 8-6-22થી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહીં. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ કાયદેસર કાર્યવાહી કરશે.' સરપંચ જયસિંહ ભાટીએ ઢોલીને ભાડે રાખીને આ રીતે ઢોલ વગાડ્યા હતા. તેમણે ગામમાં દારૂબંધીનો ઢંઢેરો આ રીતે કર્યો હતો, જેથી લોકો વધુ જાગૃત થાય.

સરપંચના પરિણામોનું પરિણામ આજે લોકોની સામે છે. આજે સરપંચના પ્રયાસથી ગામમા દારૂ બંધ થયો અને પીવાવાળા પણ બંધ થયા છે. સરકાર અને પોલીસ તો દારૂબંધી ના કરાવી શકી, પણ સરપંચે દારૂ બંધી કરાવી. ચારેતરફ હાલ સરપંચ જયસિંહ ભાટીની વાહવાહ થઈ રહી છે. ગામના વૃદ્ધો પણ આ બદી દૂર થતા ખુશ છે.

ગામમાં જ્યારથી ઢોલ વાગતા થયા છે, ત્યારથી દારૂ પીવાવાળા ઘટી ગયા છે. ગામમાં શાંતિ છવાઈ છે, દારૂ પીને લથડિયા ખાતા લોકો ઓછા દેખાય છે. જેથી લોકો ખુશ છે. જો ગુજરાતના દરેક ગામમાં આ રીતે પહેલ કરાય તો દારૂબંધી નાશ થતા વાર નહિ લાગે.

(5:12 pm IST)