Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સાળંગપુર કષ્‍ભંજનદેવ હનુમાનજી દાદાના મંદિરે આજે શનિવારે દાદાના સિંહાસનને લાલ પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્‍યો હતો : મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું હતું

સાળંગપુર ભાવિકોનું આસ્‍થાનું કેન્‍દ્ર છે

બોટાદ: સાળંગપુર ગામે આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદિરની ખ્યાતિ વિશ્વ પ્રસિદ્ધ છે. હજારો લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. તેમાં પણ શનિવારનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે આજે શનિવારના પવિત્ર દિન નિમિતે દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો.

તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિવસે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરી સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના રૂબરૂ દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે ટેકનોલોજી દ્વારા મંદિરે આવી ન શક્તા તેમજ વિદેશમાં વસતા ભક્તો ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકે છે.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદિર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. સાળંગપુર ભાવનગરથી માત્ર 82 કી.મી. દુર આવેલુ છે, કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખુબ જ ભીડ હોય છે.

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની કીર્તિ આજે આઠેય દિશાઓમાં ફેલાયેલી છે. આ મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલા દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000થી 30,000 માણસો શ્રી હનુમાનજી દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. આ મંદિરમાં હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિંદુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે.

(10:18 pm IST)