Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગુજરાતની પાવાગઢ, મહેસાણા, ખેરાલુ, સુરેન્દરનગર સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો : વધુ વરસાદ ખેર ગામમાં પડ્યો : ઠેર-ઠેર મેઘરાજાની હત્યા વરસી

ચોમાસાની શરૂઆત વચ્ચે આજે મહેસાણા, ખેરાલુ, સુરેન્દ્રનગર, પાવાગઢ સહિતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી.

જેને લઈને વતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો મહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 17 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 1.5 ઈંચ વરસ્યો હતો.તો બાબરામાં 1 ઈંચ તથા ધરમપુરમાં અને ખેડબ્રહ્મામાં અડધો ઈંચ વરસાદ ખબક્યો હતો. આ ઉપરાંત ધંધુકામાં 7 મી.મી વરસાદ અને ગોંડલમાં 6 મી.મી વરસાદ, વડિયામાં 5 મી.મી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહીને લઈને મહેસાણા જિલ્લાના ખેરાલુમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે ખેરાલુ શહેર અને તાલુકામાં વરસાદનું આગમન થયુ હતું. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતાં વતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો મોંઘેરા મહેમાન એવા વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. મેઘસવારીને પગલે ખેડૂતો
વાવણી સહિતની કામગીરીમાં જોડાયા હતા.

વરસાદી માહોલ વચ્ચે પાવાગઢનો નયનરમ્ય નજારો
વધુમાં યાત્રાધામ પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ ખબક્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને અવકાશી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેને લઈને ધોધમાર વરસાદથી પાવાગઢના પગથિયાં પર પાણી વહેતુ થયું હતું. પગથિયાં પરથી વહેતા પાણીના અદભુત દ્રશ્યોને લઈને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.વહેતા પાણીના અદભૂત દ્રશ્યોને લીધે યાત્રાધામ પાવાગઢનું સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.

સુરેન્દ્રનગર પંથકમા પણ આજે મેઘમહેર જોવા મળી હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ચોટીલામાં વરસાદે સટાસટી બોલાવતા ચારે કોર પાણી.. પાણી..ના દ્રશ્યો સર્જાયા હતા. વધુમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ વતાવરણમાં પલતા સાથે વરસાદે બેટિંગ કરી હતી. વાંસદા સહિત આસપાસના ગામોમાં સાંજે વરસાદની શરૃઆત થઇ હતી. વાંસદા ટાઉનમાં પણ ખડકાલા સર્કલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. વેગીલા વાયરા સાથે નાવડા, રામપરા, કાપડીયાળી, રોજીદ, ભીમનાથ, ખમીદાણા ગામે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વધુમાં બોટાદ જિલ્લાના બરવાળા ખાતે પણ વરસાદ વરસ્યો હતો.સાંજના સમયે બરવાળા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. નાવડા, રામપરા, કાપડીયાળી, રોજીદ ભીમનાથ, ખમીદાણા ગામે વરસાદ પડતાં ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.

(11:50 pm IST)