Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન અને કીટનું વિતરણ કરાયું

“ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ ટાઉનહોલમાં કાર્યક્રમનું આયોજન કરાયું.

મોરબી :  રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે મોરબી ટાઉનહોલ ખાતે પણ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં ૯ સ્થાનો પર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
  આ પ્રસંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ સમગ્ર મોરબી શહેરની જનતા વતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતની જનતાની સેવા કર્યા બાદ જનતાના આશીર્વાદથી હવે સમગ્ર દેશમાં ગરીબો અને વંચિતોની સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ-વિદેશમાં તેઓના કાર્યની નોંધ લેવાઇ રહી હોવાનું તેઓના પ્રાસંગીક પ્રવચન જણાવ્યું હતું.
  આ પ્રસંગે લાભાર્થીઓએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ નીહાળ્યું હતું. સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ. રૂપાપરાએ કર્યું હતું અને સમગ્ર મોરબી જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમો અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મોરબી જિલ્લામાં આજના દિવસે ૪૪૬૬ જેટલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શન, ગેસ કીટ વિતરણ અંગે માહિતી પૂરી પાડી હતી.“મુખ્યમંત્રી બાલ સેવા યોજના’’ના લાભાર્થીઓને પણ આ તકે સહાયનું વિતરણ કરાયું હતું.
  સમગ્ર કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકાર ડી.એ. ઝાલા, ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જી.એચ. રૂપાપરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ શેરસીયા, નાયબ મામલતદાર જેન્તીભાઇ પાલિયા સહિત પુરવઠા કચેરીનો સ્ટાફ તેમજ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ આભાર વિધિ કરી હતી.

(10:01 pm IST)