Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કેશોદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એસટી બસમાંથી મળ્યો 215 બોટલ દારૂ

બસની ડેકીમાં ચેક કરતા 8 થેલા બિનવારસી હાલતમાં મળ્યા : થેલામાંથી ઝડપાયો દારૂનો જંગી જથ્થો

કેશોદ :ગુજરાતમાં દારૂબંધીની ગુલબાંગો વચ્ચે અવારનવાર દારૂ પકડાયા કરે છે. પોલીસથી બચવા માટે અવારનવાર જુદી જુદી નવી નવી ટેકનિકો દ્વારા દારૂની હેરફેર કરવામાં આવે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જૂનાગઢના કેશોદમાંથી ઝડપાયો છે.

કેશોદમાં આજે એસટીની બસમાંથી 215 બોટલ દારૂ મળી આવ્યો છે. અગાઉ આ રૂટ પર આવી રીતે ક્યારયે બસમાંથી આટલી મોટી માત્રામાં દારૂ પકડાયો નથી ત્યારે આ કૌભાંડ મોટા પાયે થયું હોવાની આશંકા છે.

બનાવની વિગતો આપતા કેશોદના ડેપો મેનેજર એલ.ડી.રાઠોડે જણાવ્યું કે આજે સવારે 11.00 વાગ્યે કેશોદથી જેતપુર ડેપોની ગાડી દીવ-જૂનાગઢ એક્સપ્રેસ કેશોદ ડેપોથી રવાના થઈ રહી હતી. અમારા વિભાગના વડા આજે અહીંયા મીટિંગમાં જઈ રહ્યા હતા. ત્યારે તેમને આ બસમાં શંકાસ્પદ થેલા જોવા મળ્યા હતા. નેશનલ હાઇવે પરથી પસારર થતી બસમાં શંકા જતા તપાસ કરવામાં આવી હતી.

રાઠોડે ઉમેર્યુ કે અમે બસની ડેકીમાં ચેક કરતા 8 થેલા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ થેલામાં 215 બોટલ બિનવારી દારૂ ભરેલો હતો. એમાં જેતપુર ડેપોનો કર્મચારી સાથે લઈને આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું. અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ ઘટનામાં કન્ડક્ટર ગોર્ધન ભાઈ અને ડ્રાઇવર ચંદુ ભાઈ હતા. એલ.ડી રાઠોડે જણાવ્યું કે આ શખ્સો સસ્પેન્ડ થાય ત્યાં સુધી તેમની સાથે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ શખ્સોએ નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું કામ કર્યુ છે.

સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે જાણવા મળ્યું છે કે નેશનલ હાઇવે પર બસમાંથી મોટરકારમાં જ દારૂનું કટિંગ કરી લેવામાં આવતું હતું. આમ આ મામલે વધુ વિગતો પોલીસની ઉંડાણપૂર્વકની તપાસના અંતે સામે આવે તેવી શક્યતા છે.

(11:38 pm IST)