Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ખીરસરામાં રિસામણે બેઠેલી પુત્રવધૂ મામલે બે પરિવારો વચ્‍ચે મારામારીઃ પાંચને ઇજા

પ્‍લાસ્‍ટીકની ખુરશી વેંચવાનો ધંધો કરતાં વાંજા પરિવારના લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા

રાજકોટ તા. ૧૮: લોધીકાના ખીરસરામાં રહેતાં અને પ્‍લાસ્‍ટીકની ખુરશી વેંચવાનો ધંધો કરતાં વાંજા પરિવારના વૃધ્‍ધ તથા તેના બે દિકરા પર વેવાઇ પક્ષના લોકોએ હુમલો કરી છરી પાઇપથ ઇજાઓ કરતાં ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે પણ બે લોકોને ઇજા થઇ હતી.
ખીરસરા રહેતાં દાડમભાઇ ઓખાભાઇ કાનાણી (વાંજા) (ઉ.૬૫) તથા તેના બે દિકરા મેરૂભાઇ દાડમભાઇ (ઉ.૪૫) અને દિલીપ દાડમભાઇ (ઉ.૨૧) સાંજે ઘરે હતાં ત્‍યારે દાડમભાઇના વેવાઇ હકાભાઇ તથા તેની સાથેના જીવાભાઇ, રવિ, સાહિ, પિન્‍ટુબેન સહિતે હુમલો કરતાં રાજકોટ દાખલ થતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. સામા પક્ષે ખીરસરામાં જ રહેતાં રવિ હકાભાઇ પરમાર (ઉ.૨૨) અને હકાભાઇ હજારીભાઇ પરમાર (ઉ.૪૪) પણ પોતાના પર દિલીપ, દાડમભાઇ, સાજન, નૂર સહિતે પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થયા હતાં.
દાડમભાઇના કહેવા મુજબ તેના નાના દિકરા સાજનની ઘરવાળી સોનલ વારંવાર રિસામણે જતી રહે છે. હાલમાં પણ તે તેના પિતા હકાભાઇના ઘરે જતી રહી હોઇ તે બાબતે બોલચાલી થતાં મારામારી થઇ હતી.

 

(10:51 am IST)