Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભાવનગરમાં છેડતી બાબતે ઠપકો આપતા યુવાનની છરી ઝીંકીને હત્યા

ભાવનગર તા. ૧૮ : ભાવનગરમાં યુવતીની છેડતી બાબતે ઠપકો આપતા યુવાન ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવ્યાનો બનાવ બનવા પામ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે.

વિગતો એવી છે કે, સીદસર ૨૫ વારીયામાં રહેતા વિષ્ણુભાઇ મનુભાઇ મકવાણા (ઉ.૨૫)એ આજ વિસ્તારમાં રહેતા સચિન બોઘાભાઇ મકવાણા નામનો શખ્સ યુવતીની છેડતી કરતો હોય તેને ટપારતા સચીને ઉશ્કેરાઇ જઇ વિષ્ણુભાઇ ઉપર છરી વડે ગળા, છાતી, પેટ, પડખાના ભાગે આડેધડ ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાસી છૂટયો હતો.

આ બનાવની જાણ થતાં જ વરતેજ પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે વરતેજ પોલીસમાં સચીન કોળી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ખુનનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:01 pm IST)