Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબીમાં સેવાકાર્યોની વણજાર

મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન અને કીટનું વિતરણ કરાયું 'ગરીબોના બેલી સરકાર' થીમ હેઠળ ટાઉનહોલમાં કાર્યક્રમનું આયોજન કરાયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૮: રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને 'ગરીબોની બેલી સરકાર' થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે મોરબી ટાઉનહોલ ખાતે પણ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં ૯ સ્થાનો પર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ સમગ્ર મોરબી શહેરની જનતા વતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતની જનતાની સેવા કર્યા બાદ જનતાના આશીર્વાદથી હવે સમગ્ર દેશમાં ગરીબો અને વંચિતોની સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ-વિદેશમાં તેઓના કાર્યની નોંધ લેવાઇ રહી હોવાનું તેઓના પ્રાસંગીક પ્રવચન જણાવ્યું હતું.

આ પ્રસંગે લાભાર્થીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ નીહાળ્યું હતું. સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ. રૂપાપરાએ કર્યું હતું અને સમગ્ર મોરબી જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમો અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મોરબી જિલ્લામાં આજના દિવસે ૪૪૬૬ જેટલા લાભાર્થીઓને મફત ગેસ કનેકશન, ગેસ કીટ વિતરણ અંગે માહિતી પૂરી પાડી હતી.'મુખ્યમંત્રી બાલ સેવા યોજના'ના લાભાર્થીઓને પણ આ તકે સહાયનું વિતરણ કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકાર ડી.એ. ઝાલા, ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જી.એચ. રૂપાપરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ શેરસીયા, નાયબ મામલતદાર જેન્તીભાઇ પાલિયા સહિત પુરવઠા કચેરીનો સ્ટાફ તેમજ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ આભાર વિધિ કરી હતી.

રેકોર્ડ બ્રેક ૨૯,૮૭૬ લોકોનું વેકસીનેશન

મોરબી જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે વેકસીનેશનના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૩ જેટલા સ્થળોએ વેકસીનેશન માટે કુલ ૪૯૫૦૦ જેટલા ડોઝ ફાળવવમાં આવ્યા હતા. જેમાંથી આજે સાંજ સુધી જિલ્લામાં સૌથી વધુ હાઈએસ્ટ અને રેકોર્ડ બ્રેક ૨૯,૮૭૬ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્ત્।ે સમગ્ર મોરબી જિલ્લામાં વેકસીનેશન મેગાડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બપોરે એક વાગ્યે ૭૫૨૩ વ્યકિતઓએ પહેલો ડોઝ જયારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યાના રિપોર્ટ અનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં ૧૩૭૫૭ લોકોએ પ્રથમ ડોઝ તેમજ ૧૩૦૦૭ લોકોએ પોતાનો બીજો ડોઝ લઇ લીધો તેમજ સાંજના છ સુધીમાં રેકોર્ડ બ્રેક ૨૯,૮૭૬ લોકોનું વેકસીનેશન થયું હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી વિગતો મળી છે.

આમ વેકસીનેશનની મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વેકસીનેશન જિલ્લા વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા થયું છે. આ મેગા ડ્રાઇવ બે ભાગમાં ચાલી રહી હતી જેમાં સવાર અને સાંજની બે પાળીમાં કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી હતી. સમગ્ર કામગીરી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલી હતી. તેથી હજુ પણ રેકોર્ડ બ્રેક વેકસીનેશન થવાની શકયતા હતી.આ વેકસીનેશનમાં જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજયની સંસ્થઓના હોદેદારો આ વેકસીનેશનના મહા અભિયાનમાં જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજયમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું હતું ત્યારે મોરબી જિલ્લો પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજયમાં અવ્વલ નંબરે કામગીરી કરી રહ્યો હતો જેમાં પ્રજાનો સાથ સહકાર પણ મળી રહ્યો હતો. સમગ્ર કામગીરીનું નિરિક્ષણ જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કતીરા તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તલાટીઓ આ ઉપરાંત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ સમગ્ર કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા હતા.

લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને વધુ વૃક્ષો, વધુ વરસાદ અને રાષ્ટ્રના પર્યાવરણના જતનની ઉમદા ભાવના સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ૪/૫ ફૂટના વૃક્ષો પિંજરાથી રક્ષણ આપી અને સાર સંભાળની સંપૂર્ણ જવાબદારી સાથે ૧૦૦ જેટલાં વૃક્ષોનું વૃક્ષરોપણ કરાયું હતું. લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી. સી.ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર નાનજીભાઈ મોરડીયા, લાયન્સ કલબ સૌરાષ્ટ્રના રીજીયન ચેરમેન પી.એમ.જે.એફ.રમેશભાઈ રૂપાલા અને સિટી કલબની સમગ્ર ટીમ તેમજ ગામના સરપંચ, ગામની વૃક્ષ પ્રેમી સમિતિની હાજરીમા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રોજેકટ ચેરમેન અશ્વિનભાઈ એલ. દ્યોડાસરાએ વધુમાં જણાવેલ કે આ વર્ષે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ૨૫૦૦ થી ૩૦૦૦ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવું તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.

સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મોરબી દ્વારા જલજીલણી એકાદશીના પરમ પવિત્ર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ૭૧માં જન્મદિવસ નિમિત્ત્।ે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, કરાયું હતું

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિત્ત્।ે મોરબી ગુરુકુલમાં ઠાકોરજી સમક્ષ ફ્રૂટ હાટડી ધરાવવામાં આવી હતી. તેમજ ભગવાનને ધરાવેલા ફ્રૂટને સિવિલ હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં યજમાન પદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતી. પરમ પૂજય ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનારા અમૃત મહોત્સવ ૨૦૨૨ સુધી આ સેવાકીય પ્રવૃત્ત્િ। થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારાવૃક્ષારોપણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્ત્।ે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૩૫ ખેડૂત ભાઈઓ તથા ૩૫ કિશોરીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ પર તેમજ બાજુના ધરમપુર ગામમાં ખેડૂતના ખેતર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કિશોરીઓને પોષણ યુકત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કિશોરીઓને બાજરામાંથી બનાવેલ વાનગીનો નાસ્તો આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂતોને ઇફકો કંપની દ્વારા બનાવેલ શાકભાજીના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તેમજ ક્રિભકો, ઇફ્કો, નાફેડ અને વનવિભાગ મોરબી તથા આત્મા પ્રોજેકટના અધિકારી કર્મચારી સહભાગી થયા હતા.

વૈદિક યજ્ઞ યોજી દીર્ઘાયુ માટે પ્રાર્થના

વડાપ્રધાન નરન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિતે ગુજરાત રાજય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ તથા વૈદિક યજ્ઞ સમિતિ ના સંયુકત ઉપક્રમે મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપરના રામકો બંગલોઝમાં આવેલ વૈદિક યજ્ઞ શાળામાં વડાપ્રધાન મોદીને દીર્દ્યાયુ પ્રાપ્ત થાય અને તંદુરસ્તી અણનમ રહે તે માટે યજ્ઞ કરીને પ્રાર્થના કરવામાં આવી હતી

મોરબીમાં ગુજરાત રાજય યોગ બોર્ડનાં યોગ કોચ, રૂપલબેન શાહ, વાલજીભાઈ ડાભી, પિયુષભાઈ વાદ્યેલા, પતંજલિ યોગ સમિતિ જિલ્લા પ્રભારી રણછોડભાઈ જીવાણી, યોગગુરૂ નરશીભાઈ અંદરપા, મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, તથા સર્વે યોગ કોચ, યોગ ટ્રેનર્સ, યોગ ટીચર્સ અને યોગ સાધકોએ ૭૧ મંત્રોચ્ચારની આહુતિ સાથે શુભકામના કરવામાં આવી. આ તકે વલસાડ પતંજલિ યોગ સમિતિના જિલ્લા ઉપપ્રભારી, રણજીતભાઈ રાઠોડ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પતંજલિ નર્સિંગ સ્કુલમાં 'અંગદાન' જાગૃતિ સેમીનાર યોજાયો

પતંજલિ નર્સિંગ સ્કુલમાં (A.N.M.) માં અભ્યાસ કરતી તાલીમાર્થી બહેનો ને સમાજમાં તાતી જરૂરિયાત એવી 'અંગદાન' નું મહત્વ સમજાવી સમાજમાં જાગૃતિ લાવી અનેકને નવું જીવનદાન આપી શકાય છે. નર્સિંગ ની બહેનોની સાથે સાથે તક્ષશિલા બી.એડ. કોલેજની બહેનો જે ભવિષ્યમાં એક શિક્ષક થવા જઈ રહી છે તેને પણ આ વિષયથી માહિતગાર કર્યા જેથી શિક્ષક દ્વારા સમાજને એક નવો રસ્તો મળી શકે.

સેમિનારના વકતા તરીકે હળવદ શહેરના મેડીકલ ક્ષેત્રના ખુબ અનુભવી એવા ડો.જયેશભાઈ લીંબાશીયા દ્વારા 'અંગદાન' નું મહત્વ સમજાવ્યું અને મૃત્યુ પછી નકામાં થઈ જતા અંગોને દાન કરી બીજાને નવું જીવન આપી શકાય, મૃત્યુ પછી જીવંત રહેવાનો એક જ વિકલ્પ છે તે એટલે અંગદાન. તથા તેની જરૂરિયાત વિષે પુરતી સમજણ આપવામાં આવી હતી. ફકત પતંજલિ નર્સિંગ સ્કુલ જ નહી પરંતુ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા અંગદાન મહાદાન જાગૃતિનું બીડું જડપ્યું છે.તો સમાજના દરેક નાગરિક આ પ્રક્રિયાથી વાકેફ થાય તે જરૂરી છે.

ડો.જયેશભાઈ લીંબાશીયાએ ખુબ સરળ ભાષામાં આ વિષય થી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. અને પરંપરાગત રીત રીવાજોથી ઉપર જઈને આ વિષય પર જાગૃતતા લાવવી આવશ્યક છે. તથા પતંજલિ નર્સિંગ સ્કુલના ડાયરેકટર ડો. અલ્પેશ સિણોજીયા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. અને 'અંધવિશ્વાસ કા ત્યાગ કરે અંગદાન કા પ્રયાસ કરે' આ સુત્રને કટિબદ્ઘ કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

(12:04 pm IST)