Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મોરબી વેપારીઓ કાળઝાળ બે દિવસમાં શાકમાર્કેટ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા હલ ન થાય તો આંદોલનની ચીમકી

શાક માર્કેટ અને પાછળ વિસ્તારમાં વરસાદી અને ગટર મિશ્રિત પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર દાદ ન આપતા વેપારીઓ વિફર્યા વેપારીઓ પાલિકા કચેરીએ દોડી જઇને રજુઆત કરી બે દિવસનું એલટીમેટમ આપ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૮:  મોરબીના શાક માર્કેટ અને પાછળના વિસ્તારમાં તંત્રના પાપે ગટર પાણીએ આડો આંક વાળી દેતા આ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકો વિફર્યા હતા. આથી રોષે ભરાયેલા વેપારીઓએ શાક માર્કેટ અને પાછળના વિસ્તારમાં વરસાદી અને ગટર મિશ્રિત પાણી ભરાવાના મુદ્દે નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો અને બે દિવસમાં આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે ચીફ ઓફિસરે આ ગટરની સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી.

મોરબીના શાક માર્કેટ અને આજુબાજુના લોહાણાપરા-૧,૨,૩ સહિતના પાછળના વિસ્તારમાં દ્યણા સમયથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ હોવાથી ગટર ઉભરવાનો સળગતો પ્રશ્ન છે. જેમાં હમણાં સામાન્ય વરસાદ પડ્યો, તેમાં આ વિસ્તારની હાલત એકદમ નાજુક બની ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ભૂગર્ભ ચોકઅપ હોવાથી પાણીનો નિકાલ ન થતા પાણી પાછું ઠેલાય છે. આથી ગટર અને વરસાદનું પાણી ભરાય રહે છે. જેમાં શાક માર્કેટ તો પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આથી શાકભાજી લેવા આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને શાકભાજી સાથે ગંદકી ફ્રીમાં લઈ જવી પડે તેવી હાલત છે.

શાકમાર્કેટ તેમજ પાછળના વિસ્તારની ભૂગર્ભ એક જ હોય આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. સતત પાણી ભરાવવાના કારણે વેપારીઓના ધંધા રોજગારમાં પણ તકલીફ પડે છે. તેમજ રોગચાળાની ભીતિ રહે છે. અનેક રજુઆત કરવા છતાં આ સમસ્યાના હલ ન આવતા અંતે આજે વેપારીઓ નગરપાલિકાએ દોડી જઈને ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને પણ રજુઆત કરી હતી અને બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો સોમવારે આંદોલન કરવાની ચીમકી આપી હતી. જો કે ચીફ ઓફિસરે ગટરની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી હતી.

ચીફ ઓફિસર ગિરીશ સરૈયા જણાવ્યું હતું કે, પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે પાલિકાના જે તે વિભાગને સૂચના આપી દીધી છે. બે દિવસ પહેલા તે વિસ્તારમાં સફાઈ કરી હતી. પણ આજુબાજુના અમુક સ્થાનિકો ત્યાં કચરો નાખતા હોય આ સમસ્યા ઉદભવી છે. આગામી સમયમાં ભૂગર્ભના મોટા પાઇપ નાખીને આ સમસ્યાનું નિરાકરણ કરાશે. ત્યારબાદ કોઈ કચરો નાખશે તો તેની સામે કાર્યવાહી થશે. તેમ તેમણે જણાવ્યું હતું. 

(12:05 pm IST)