Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુરત બાયોડીઝલ પ્રકરણનું પગેરૃં કચ્છ સુધીઃ પૂર્વ મંત્રીના પુત્ર સહિત ૫ ભાગીદારોને સમન્સ

ભુજ,તા.૧૮:  ડીઝલની અવેજીમાં અત્યારે બાયો ડીઝલ વેચવાના ચાલતા કાળા કારોબાર સંદર્ભે તાજેતરમાં જ કચ્છ આવેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના નેતાઓની સંડોવણીના આક્ષેપો કર્યા હતા. તેમ જ બાયો ડીઝલના કારણે ડીઝલનું વેંચાણ ઓછું થતાં સરકારની તિજોરીને પણ અસર પડી હોવાનું પણ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

 દરમ્યાન સુરત પોલીસે ગત ૩૦ જૂન દરમ્યાન ઝડપેલ ૩.૬૯ લાખના ૫૭૪૦ લીટર બાયો ડીઝલ કૌભાંડનું પગેરું કચ્છ સુધી લંબાયું છે અને આ પ્રકરણમાં પૂર્વ રાજય મંત્રી વાસણભાઈ આહીરના પુત્ર રણછોડ આહીરની ગાંધીધામ સ્થિત વ્યાપારી પેઢી અરિહંત ટ્રેડિંગ કંપનીના ભાગીદારોને સમન્સ મોકલી જવાબ માટે સુરત બોલાવ્યા છે. જેમને સમન્સ મોકલાયું છે તેમના નામ ભાવેશ અમૃતલાલ શેઠ, નીરવ પ્રદીપ મહેતા, રમેશ બાબુભાઈ હુંબલ, રણછોડ વાસણભાઇ આહીર, શંભુભાઇ શામજી જરૂ છે. આ પ્રકરણમાં આરોપીઓએ મનીષ શંકરલાલ રાવ પાસેથી બાયો ડીઝલ ખરીદ્યું હતું અને મનીષ રાવને માલ મોકલનાર દલાલ તરીકે દીપક બંસલ હરિઓમ એન્ટરપ્રાઈઝ દ્વારા ગાંધીધામની અરિહંત એન્ટરપ્રાઈઝ પાસેથી માલ ખરીદી સુરત મોકલાયો હતો. 

(12:12 pm IST)