Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

એકના ડબલની લાલચે નાની ચિરઇ ગામના યુવાને એક લાખ ગુમાવ્યા !

માળીયા મિંયાણા પાસે બનાવઃ ત્રિપુટી રોકડ પડાવી છનન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૧૮: એકના ડબલ મેળવવાની લાલચમાં અનેક લોકો છેતરાતા હોવાના ઢગલા બંધ બનાવો બનતા હોવા છતાં લોકો લાલચમાં આવી પોતાની મરણ મૂડી ગુમાવતા હોય છે ત્યારે આવા જ એક કિસ્સામાં કચ્છના યુવાનને એકના ડબલની લાલચ આપી માળીયા તાલુકાના ચાચાવદરડા ગામના પાટીયે બોલાવી ત્રિપુટીએ એક લાખ તફડાવી લેતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ ભચાઉના નાની ચિરઇ ગોકુલનગરમાં રહેતા હરેશભાઇ સવાભાઇ બઢીયાને નાની ચીરઇ ગામના જ આરોપી જુમાભાઇ અયુબભાઇ મુસ્લીમે એકના ડબલ પૈસા કરી આપવાની સ્કીમ બતાવી આંબા આંબલી બતાવ્યા હતા અને માળીયાના ચાચાવદર ગામના પાટીયે બોલાવી અન્ય આરોપી ગુલામ ઉમરભાઇ તથા વિરલભાઇ કે જેમના નામ સરનામાનો પતો નથી એવા આ ત્રણેય આરોપીઓએ મિલાપીપણું કરી હરેશભાઇ પાસેથી એક લાખ પડાવી લીધા હતા.

દરમિયાન માળીયાના ચાચાવદરડા ગામના પાટીયે બનેલા આ ચકચારી બનાવમાં ફરિયાદી હરેશભાઇને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તુરત જ માળીયા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ઘ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે અને આ કેસની વધુ તપાસ માળીયા હેડ કોન્સ્ટેબલ કે.વી. ચાવડા ચલાવી રહ્યા છે.

(12:59 pm IST)