Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મોરબી પાલીકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્યા કરનાર પાંચ શખ્સો પોલીસના સકંજામાં

બી-ડિવીઝનના પી.આઇ. વિરલ પટેલ તથા ટીમે દબોચી લીધા : પકડાયેલ આરોપીઓએ અગાઉ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની ક્રુર હત્યા કરી નાસી છૂટેલ પાંચ શખ્સોને પોલીસે સકંજામાં લઇ લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી, મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ રાજકીય આગેવાન ફારૂકભાઇ ઇબ્રાહિમભાઇ મોટલાણી (ઉ.વ.૫૨) અને તેમના પુત્ર ઇમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણી (ઉ.વ.૨૪)ની તેમના જ ઘર પાસે ગત બુધવારે મોડી રાત્રીના અમુક શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બંને પિતા-પુત્ર પર થયેલા આ જીવલેણ હુમલામાં બંનેના મોત થતા મોરબી મુસ્લિમ સમાજ સહિત સમગ્ર મોરબીમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવ મામલે મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી ઘર પાસે હોય ત્યારે આરોપી ડાડો ઉર્ફે ડાડુ ઉફે રફીક તાજમહમદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જુસબ જાકમ ભટ્ટી, આસિફ સુમરા અને મોહીન હાસમ દાવલીયા ઉર્ફે લાલો પીંજારોને મોરબી નગરપાલિકાની ચુંટણીમાં વાધા ચાલતા હોય જેથી આરોપીઓએ એક સંપ કરી છરી તથા ધારિયા વડે ઘરે ઘસી આવીને હુમલો કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્યા કરી નાસી છૂટેલ ઉકત પાંચેય શખ્સોને બી-ડીવીઝનના પી.આઇ. વિરલ પટેલ તથા ટીમે દબોચી લઇ પૂછતાછ હાથ ધરી છે. પકડાયેલ ઉકત શખ્સો અગાઉ પોલીસ ઉપર હુમલો કરવાના ગુન્હામાં પણ સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. પકડાયેલ પાંચેયની વિશેષ પૂછતાછ હાથ ધરાઇ છે.

(1:02 pm IST)