Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ભાણવડ પાસે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપીને પરત જતા ગધેથડનું દંપતી ખંડિત

પુરપાટ જતી કારના ચાલકે બાઇકને હડફેટે લીધુ

ખંભાળિયા તા.૧૮ : ભાણવડતાલુકાના આંબરડી ગામ નજીક પુરઝડપે જઇ રહેલ એક મોટરકારના ચાલકે ઉપલેટા તાલુકાના રહીશ એવા એક દંપતિ પુત્ર સાથેના મોટર સાયકલને હડફેટે લેતા પતિની નજર સામે જ પત્નીનું કરૂણ મૃત્યુ નીપજયુ હતુ.

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ રહેતા પરાક્રમસિંહ વાળા નામના એક ગરાસિયા યુવાન આંબરડી ગામે એક કથાના હવન અંગેનો ધાર્મિક કાર્યક્રમ પુર્ણ થતા ગઇકાલે રવિવારે સાંજે પરાક્રમસિંહ તેમના ધર્મપત્ની મીનાબા (ઉ.વ.૩૯) તથા બાર વર્ષના પુત્ર કર્મરાજસિંહ સાથે તેમના મોટર સાયકલ નંબર જી.જે.૦૩.એ.ડી. ૬પ૧૯ પર બેસીને ગધેથડ પરત જવા માટે નીકળ્યા હતા.

તેઓ આંબરડી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે આ માર્ગ પરથી જીજે૦૧ આર.જે.૦૦૯૩ નંબરની સ્વીફટ મોટર કારના ચાલકે પરાક્રમસિંહના મોટર સાયકલને હડફેટે લેતાં આ દંપતિ તથા પુત્ર  રોડની એકબાજુ ફેકાઇ ગયા હતા.

આ ગંભીર અકસ્માતમાં પ્રાણ ઘાતક ઇજાઓ થતા મીનાબાનું કરૂણ મૃત્યુ નીપજયુ હતુ. ત્યારે પરાક્રમસિંહ તથા તેમના બાર વર્ષીય પુત્ર કર્મરાજસિંહને શરીરના જુદા જુદા ભાગોમાં નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે અંગે મૃતકના સંબંધી ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે રહેતા લગધીરસિંહ દિગુભા વાળા (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે મોટરકાર ચાલક સામે આઇ.પી.સી. કલમ ર૭૯, ૩૦૪ (અ) ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઇ. આર.એ.નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરાવી છે.

(10:37 am IST)