Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વાંકાનેરના મહિકા ગામની સીમમાં થયેલ 'ખુન કા બદલા ખુન' કેસમાં બે આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૧૮:મહીકા ગામની સીમમાં થયેલ ખૂન કા બદલા ખૂનના કેસમાં બે આરોપીઓના જામીન મંજૂર સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની એફ. આઇ. આર. પ્રમાણેની ટૂંક માં વિગત એવી છે કે, આ કામના આરોપીઓ સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે રાજુ ઉર્ફે રાજિયો મહમદભાઈ ધનાણી, જુમાશા નુરશા શાહમદાર, એજાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયક, સોહિલ નુરમામદભાઈ કાબરા, નિઝામ નુરમહમદભાઈ હોથી, તથા અન્ય એક સગીરએ એજાજભાઈ ના ભાઈ સાહિલનું તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ રાજકોટ આર.ટી.ઓ. ખાતે મરણજનાર રાહુલભાઇના કાકા કનુભાઈ ઉર્ફે અમરીશભાઈ સાથે ટ્રકમાં રેડિયમ પટ્ટી લગાડવા અને ટ્રકનું પાસિંગ કરવા માટે ઝઘડો થયેલો જેમાં મરણજનાર રાહુલભાઇ, ઇજા પામનાર નીતિન મધવજીભાઈ તથા કનુભાઈ ઉર્ફે અમરીશભાઈ વિગેરે સમજાવવા માટે એજાજ તથા તેના ભાઈ સાહિલ પાસે ગયેલ અને ત્યાં ઝદ્યડો અને તકરાર થતાં સહિલભાઈનું ખૂન થયેલું. તે ખૂન કેસમાં મરણ જનાર રાહુલભાઇ, ઇજા પામનાર નીતિનભાઈ તથા કનુભાઈ ઉર્ફે અમરીશભાઈ વિગેરે કુલ-૬ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને ત્યારબાદ મરણ જનાર રાહુલભાઇ અને ઇજા પામનાર નીતિનભાઈ કોર્ટમાંથી જામીનમુકત થયેલ. એજાજભાઇના ભાઈ સાહિલના ખૂનનો ખાર રાખી ઉપરોકત બધા આરોપીઓએ સાહીલના ખૂનનો બદલો લેવા માટે પૂર્વયોજિત કાવતરું રચેલ હતું.

તા.૨૦/૦૫/૨૦૨૧ ના રોજ બપોરે આશરે સવા ત્રણેય વાગ્યે મરણજનાર રાહુલભાઇ જયેશભાઈ તથા ઇજા પામનાર નીતિનભાઈ માધવજીભાઇ પોતાનો ટ્રક (રજી.નં. GJ05 BU 4570) લઈને રાજકોટથી વાંકાનેર તાલુકાના માહીકા ગામે મચ્છુ નદીમાં રેતી ભરવા ગયેલા. આશરે સાંજના ૬ વાગ્યે મહીકાથી મચ્છુ ડેમ તરફ જતા રોડ પર દરગાહ પાસે ઇનોવા કાર રોડની સાઈડમાં ઊભી હતી. ટ્રક આવતાની સાથે ઇનોવા કાર રોડ ની વચોવચ ઊભી રાખી દીધેલ અને કારમાંથી ૪ વ્યકિતઓ ઉતરેલ અને ૨ વ્યકિતઓ એકિટવામાં પાછળથી આવેલ. ટ્રક ઉભો રહેતાંની સાથે ટ્રકના આગળના ભાગમાં પથ્થરના દ્યા ઝીંકી કાચ તોડી નાખેલ અને મરણજનાર રાહુલભાઇ અને ઇજા પામનાર નીતિનભાઈ ખેંચીને બહાર કાઢેલ અને બંનેને પાઇપ, ધોકા, પત્થર, છરીથી શરીરે માર મારવા લાગેલ. બનાવ નજરે જોનાર સાહેદ નીતિનભાઈ માધવજીભાઇને હાથે પગે અને માથાના ભાગમાં ઇજાઓ થતાં બીકના કારણે ત્યાં રહેલ એકિટવા લઇને ત્યાંથી ભાગી ગયેલ અને રાહુલભાઇ દોડી દોડીને થોડે દૂર એક વાડી ખેતર તરફ ગયેલ તેમની પાછળ ઉપરોકત આરોપીઓ ગયેલા અને નીતિનભાઈએ દૂરથી જોયેલું તો ઉપરોકત આરોપીઓ રાહુલભાઇને માર મારવા લાગતા તે પડી ગયેલા અને આરોપીઓએ રાહુલભાઇ ને પકડી રાખી છરીઓથી રાહુલભાઇને ગળાના ભાગે શરીરે માર  મારતા ઘટના સ્થળ પર જ રાહુલભાઇ જયેશભાઈનું મોત નિપજયું હતું.

આ કામ અંગેની જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટ માં આરોપીઓ સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે રાજુ ઉર્ફે રાજિયો મહમદભાઈ ધનાણી અને જુમાશા નુરશા શાહમદારએ તેમના એડવોકેટ મારફત જામીન અરજી કરેલ. જેમાં સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાઓ તથા મૌખિક રજૂઆતો કરી આરોપીઓને જામીન પર મુકત ન  કરવા રજૂઆત કરવામાં આવી. આ જામીન અરજી અંતર્ગત લેખીત મૌખિક પુરાવાઓ,  ઉભયપક્ષે ફરિયાદ પક્ષ અને અરોપી પક્ષ તરફે થયેલ રજૂઆતો તદુપરાંત ઉચ્ચ ન્યાયાલય ના ચુકાદાઓ વિગેરે તમામ બાબતોને ધ્યાને લઇ મોરબીના પ્રિન્સિપાલ સેશન્સ જજશ્રીએ આ કામના ઉપરોકત બંને આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે રાજુ ઉર્ફે રાજિયો મહમદભાઈ ધનાણી અને જુમાશા નુરશા શાહમદાર વતી રાજકોટના વકિલશ્રી રૂપરજસિંહ પરમાર, અજીત પરમાર, હુસેનભાઇ હેરંજા, જયદેવસિંહ ઝાલા તથા શકિતભાઈ ગઢવી રોકાયેલ હતા. 

(10:37 am IST)