Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પોરબંદર સાંદીપની વિદ્યા નિકેતનમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાન સંપન્ન

શ્રી હનુમંત ચરિત્ર કથા, ૨૫ મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ, ૩ યજ્ઞો, વિવિધ મનોરથો, વિવિધ મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૮ : પોરબંદર પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શારદીય નવરાત્રિમાં પ્રતિવર્ષ અનુસાર વિજયાદશમીના શુભ દિવસે સાંદીપનિ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં પૂજય ભાઇશ્રી અને નવરાત્રિ દરમ્યાન શ્રીહનુમંત ચરિત્ર કથાના વકતા પૂજય સ્વામીશ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજ અને ભાવિકોની ઉપસ્થિતિમાં સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ અને બપોર પછી દ્વારકા ખાતે જગત મંદિરમાં દ્વારકાધીશને ધ્વજારોહણના મનોરથ સાથે ૪૦માં શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનું સમાપન થયું હતું.

પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા એ ૪૦માં શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનનું પુષ્પ મર્યાદા પુરુષોત્ત્।મ શ્રીરામચંદ્રજીના ચરણોમાં સમર્પિત કરીને અનુષ્ઠાનયાત્રાનું સ્મરણ કરતાં કહ્યું હતું કે સૌથી પહેલું અનુષ્ઠાન દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકામાં થયું હતું. ત્યારબાદ શ્રીરામચરિત માનસના નવ અનુષ્ઠાન રાવલ ખાતે સાંદીપનિના ટ્રસ્ટી સ્વ.શ્રી તુલસીભાઈ હાથીની વાડીએ થયા. ત્યારબાદ વર્ષ ૧૯૯૨થી અહિયાં સાંદીપનિ પરિસરમાં આગળની અનુષ્ઠાનયાત્રાનો પ્રારંભ થયો જે શ્રીહરિની કૃપાથી આ વર્ષે ૪૦માં વર્ષે પહોચી છે અને આજે ૪૦માં અનુષ્ઠાનનો પુષ્પ શ્રીરામજીના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ગત વર્ષે પણ કોરોના પરિસ્થિતિના કારણે ખુબજ અલ્પ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં શ્રીરામચરિતમાનસ પાઠ અનુષ્ઠાન થયું હતું અને ઘણા ભાવિકોએ ઓનલાઇન જોડાઈને અનુષ્ઠાન કર્યું હતું. તો પ્રતિવર્ષનો જે ક્રમ છે એ શ્રીહરિની કૃપાથી તૂટ્યો નથી અને ચાલુ રહયો છે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત પ્રતિવર્ષ બપોર પછીના બીજા સત્રમાં સત્સંગ/કથાનું આયોજન થાય છે. એ ઉપક્રમમાં આ વર્ષે પણ બપોર પછીના બીજા સત્રમાં શ્રીહનુમત ચરિત્ર કથાનું આયોજન થયેલ. શ્રીરામ મંદિર નિર્માણના કોષાધ્યક્ષ પૂજય સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજે પ્રતિદિન બપોર પછી ૩.૩૦ થી ૬.૩૦ વાલ્મીકિ રામાયણ આધારિત દિવ્ય શ્રીહનુમાનજીની અનેક રૂપે ભૂમિકાઓને કથાના માધ્યમથી રજૂ કરીને શ્રી હનુમત ચરિત્ર કથાનું સૌને રસપાન કરાવ્યુ હતું જેનો અનુષ્ઠાન નિમિત્ત્।ે આવેલા દેશ વિદેશના ભાવિકોએ અને zoom અને sandiani.tv ના માધ્યમથી અનેક લોકોએ લાભ લીધો હતો. પૂજય સ્વામિ શ્રી ગોવિંદદેવગિરિજી મહારાજને નવરાત્રિ દરમ્યાન યોજાયેલ ૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં પૂજય ભાઇશ્રી દ્વારા દેવર્ષિ એવોર્ડ અર્પણ કરાયો હતો.

તા.૧૦/૧૦/૨૦૨૧, રવિવારના રોજ બપોર પછીના સત્રમાં રજત જયંતિ વર્ષ તરીકે ૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનું ગૌરવસભર આયોજન થયું હતું. જેમાં પૂજય ભાઇશ્રી, અતિથિ વિશેષ તરીકે ગુજરાતના પ્રથમ મહિલા વિધાનસભાના અધ્યક્ષા શ્રી નિમાબેન આચાર્ય, નવરાત્રિ અનુષ્ઠાન દરમિયાન પ્રતિદિન અપરાહન સત્રમાં શ્રી હનુમત્ કથાનું રસપાન કરાવનારા અને દેવર્ષિ એવોર્ડથી જેઓનું ભાવપૂજન કરવામાં આવ્યું એવા પૂજય સ્વામી શ્રી ગોવિંદદેવગિરિજી મહારાજ, એવોર્ડ ચયન સમિતિના સભ્ય અને મુંબઈના પૂર્વ શેરીફ ડો. મોહનભાઇ પટેલ, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરિયા, શ્રી કરૂણાશંકરભાઈ ઓઝા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજમાં પોતાના ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન કરનાર વ્યકિતઓનું વર્ષ-૨૦૨૦ના સાંદીપનિ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું.

જેમાં વર્ષ-૨૦૨૦ના રાજર્ષિવર્ય એવોર્ડથી પરમ ભગવદીયા શ્રીમતી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી, મુંબઈ, મહર્ષિ એવોર્ડથી સાંસદ અને સુપ્રસિધ્ધ સમાજસેવી આદરણીય પ્રો.ડો. અચ્યુત સામંતજી- ભુવનેશ્વર, બ્રહ્મર્ષિ એવોર્ડથી સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, વારાણસીના પૂર્વકુલપતિ પરમ ભગવદીય ડો. રાજારામ શુકલજીનું અને દેવર્ષિ એવોર્ડથી શ્રીરામ મંદિર નિર્માણના કોષાધ્યક્ષ પૂજય સ્વામી ગોવિન્દદેવગિરિજી મહારાજનું પૂજય ભાઇશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લલાટે કુંકુમ તિલક કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન સાંદીપનિ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં ત્રણ યજ્ઞોનું આયોજન થયેલ હતું. જેમાં પ્રથમ મહારુદ્રયાગ કે જે સાંદીપનિના ઋષિકુમારો અને કાશીથી આવેલા પંડિતજી દ્વ્રારા સંપન્ન કરાવવામાં આવ્યો હતો. જે છ દિવસસુધી ચાલ્યો હતો અને મહારૂદ્રયાગની પૂર્ણાહુતિમાં પૂજય ભાઇશ્રી અને શ્રીહનુમત કથાના વકતાશ્રી પૂજય ગોવિંદદેવગિરિજી મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

દુર્ગાષ્ટમીના પાવન દિવસે સાંદીપનિની યજ્ઞશાળામાં સાંદીપનિના ઋષિઓ દ્વારા શાસ્ત્રોકત વિધિથી દુર્ગાયાગ સંપન્ન કરવામાં આવ્યો. જેમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં દેશ-વિદેશથી આવેલા કેટલાક યજમાનો પ્રત્યક્ષ રીતે જોડાયા તો કેટલાક zoom ના માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતા અને એમના પ્રતિનિધિમાં ઋષિકુમારોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. દુર્ગાયાગની પૂર્ણાહુતિમાં પૂજય ભાઈશ્રીએ અને સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મનોરથી શ્રીબજરંગલાલજી તાપડિયા પરિવારે ઉપસ્થિત રહીને વિશેષ રૂપે આઠ કુમારિકાઓનું પૂજન કર્યું હતુ. પૂજય ભાઈશ્રીએ યજ્ઞના સૌ મનોરથીઓને આશીર્વાદ આપ્યા હતા.

આ તા. ૧૪/૧૦/૨૦૨૧, શુક્રવારે વિજયાદશમીના પાવન દિવસે ૪૦માં શ્રીરામ ચરિતમાનસ પાઠની પૂર્ણાહુતિ સ્વરૂપે સાંદીપનિની યજ્ઞશાળામાં સાંદીપનિના ઋષિઓ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. યજ્ઞની પૂર્ણાહુતિમાં પૂજય ભાઇશ્રી ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મનોરથી શ્રી બજરંગલાલજી તાપડિયા અને તેઓના સંપૂર્ણ પરિવારને પૂજય ભાઇશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન આધ્યાત્મિક પ્રવૃત્ત્િ।ઓ સાથે પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી સામાજિક સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ પણ કરવામાં આવી. જેમાં સાંદીપનિ પરિસર ખાતે સંપૂર્ણ નવરાત્રિ દરમ્યાન દંતયજ્ઞ મેડિકલ કેમ્પ ચાલુ રહ્યો. જેમાં અનેક લોકોએ પોતાના દાંતની સારવાર કરાવી. આ કેમ્પમાં ગવરીદડના દંતવૈદ્ય શ્રી લાભુભાઈ શુકલ મેમોરિયલ આયુર્વેદ ડેન્ટલ હોસ્પિટલથી દંતવૈદ્ય શ્રી સરોજબેન જોશી તથા વૈદ્ય શ્રી હર્ષદભાઈ જોશીએ પોતાની સેવા આપી હતી.

આ સિવાય તા. ૦૮/૧૦/૨૦૨૧ના રોજ સાંદીપનિ પરિસર ખાતે નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ સંપન્ન થયો. આ કેમ્પમાં પોરબંદર અને આસપાસના ગામમાથી અનેક લોકોએ પોતાની આંખની તપાસ કરાવી હતી. આ કેમ્પમાં વિરનગરથી શિવાનંદ મિશન આઈ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.

તા. ૧૨/૧૦/૨૧ ના રોજ પોરબંદરની લાયન્સ હોસ્પિટલ ખાતે પલ્મોનોલોજી કેમ્પ (શ્વાસ અને ફેફસાના રોગોનો કેમ્પ) નું આયોજન થયેલ હતું. રાજકોટના સુપ્રસિદ્ઘ પલ્મોનોજિસ્ટ ડો. જયેશભાઇ ડોબરિયા અને ટીમ દ્વારા આ કેમ્પના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આજ દિવસે      તા. ૧૨/૧૦/૨૧ ના રોજ સાંદીપનિ પરિસરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ. કોરોના મહામારીને કારણે શહેરની હોસ્પિટલોમાં બ્લડની અછત થયેલી હોવાથી એ અછતને દૂર કરવા પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ હતું. જેમાં અનુષ્ઠાન નિમિત્ત્।ે આવેલ ભકતોએ, સાંદીપનિ પરિવારના સેવકોએ પણ રકતદાન કર્યું હતું.

તા. ૧૩/૧૦/૨૧ના રોજ સાંદીપનિ પરિસરમાં વેકિસનેશન કેમ્પ કરવામાં આવ્યો. જેમાં પોરબંદર શહેર અને આસપાસના ગામના લોકોને કોવિશિલ્ડ રસીના પેલો/બીજો ડોઝ આપમાં આવ્યો હતો.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન ઋષિકુમારો દ્વારા દુર્ગા સપ્તશતી પાઠ, કરુણામયીમાના વિવિધ શૃંગારદર્શનના અલૌકિક ઝાંખી દર્શન, શ્રીમંદિરના તમામ શિખરો પર નૂતન ધ્વજારોહણ, કરુણામયીમા ને જળ-પુષ્પાભિષેક જેના દર્શનનો ઉપસ્થિત સૌ ભાવિકોએ લ્હાવો લીધો હતો. પ્રતિદિન સાયં આરતી બાદ શ્રીહરિ મંદિરની આરતી બાદ રાસ-ગરબાનું પણ ખુબજ સરસ રીતે આયોજન થયેલ હતું. જેમાં સૌરાષ્ટ્રના શ્રી મયુરભાઈ દવે, શ્રી નારણભાઇ ઠાકર જેવા ગાયકોએ પણ રાસ-ગરબામાં જોડાઈને પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી.

સંપૂર્ણ નવરાત્રિ દરમ્યાન પ્રતિદિન પોરબંદર શહેર અને આસપાસના ગામમાંથી શ્રીહરિ મંદિર અને અનુષ્ઠાનના દર્શનાર્થે આવતા લોકો માટે સાંદીપનિ પરિસરમાં આવેલા પ્રભુપ્રસાદ ખાતે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અનેક લોકોએ ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો.

સાંદીપનિમાં પૂજય ભાઇશ્રીના સાંનિધ્યમાં સંપન્ન થયેલા ૪૦મી શારદીય નવરાત્રિ અનુષ્ઠાન ઉત્સવમાં દેશ વિદેશના અતિથિઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેક ભાવિકોએ અનુષ્ઠાન અને કથાનો લાભ લીધો હતો. આ સિવાય અનેક મહાનુભવોએ પણ નવરાત્રિ દરમ્યાન પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આ સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમા શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધકના ટ્રસ્ટી શ્રી બજરંગલાલજી તાપડિયા અને એમનો પરિવારે મનોરથી બનીને સેવા આપી હતી.

(11:59 am IST)