Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગોંડલમાં ડેંગ્યુનો કહેરઃ ઘરે ઘરે ખાટલાઃ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૮: ગોંડલમાં કોરોનાનો કહેર હજુ ભુલાયો નથી ત્યાં ડેંગ્યુ એ ફુફાડો મારતાં અને ઘરે ઘરે માંદગીનાં ખાટલા મંડાયા હોય લોકો ભયભીત બન્યા છે.

શહેર છેલ્લાં કેટલાક દિવસથી ડેંગ્યુગ્રસ્ત બન્યું છે. ઋતુ બદલાતાં સિઝનલ બિમારી ડેંગ્યુ સુધી પંહોચી છે.

સિવીલ હોસ્પિટલ સહિત શહેરનાં ખાનગી હોસ્પિટલ ડેંગ્યુનાં દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ડો.રાદડિયા હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસમાં સૌથી વધુ દર્દીઓને ડેંગ્યુ ડીટેક થવાં પામ્યું હોય સારવાર લીધી છે. શહેરનાં સિનિયર ફિઝીશ્યન ડો.કે.બી.રાદડિયા એ ડેંગ્યુ અંગે જણાવ્યું કે એડીસ ઇજિપ્ત નામનાં મચ્છરો ડેંગ્યુ ફેલાવે છે. આ મચ્છર ચોખ્ખા પાણીમાં બેસે છે. ઘરમાં સ્ટોરેજ માટે પાણીનાં ટાંકા કે વાસણોમાં ભરી રાખેલું પાણી ખુલ્લા રાખવું હીતાવહ નથી. ડેંગ્યુગ્રસ્ત દર્દીમાં પ્લેટનેટ કાઉન્ટનો ઘટાડો થાય છે. વધુ પ્રમાણમાં ઘટાડો થાય તો મગજ કે આંતરડા નાં હેમરેજનું જોખમ સર્જાય છે. તાવ, ટાઢ સાથે માથાનાં દુખાવા જેવાં લક્ષણોને ગંભીરતાથી લઈ તાકીદે સારવાર માટે તેમણે સલાહ આપી હતી.

(12:02 pm IST)