Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આવતીકાલે કચ્છ સરહદેથી રાષ્ટ્રીય એકતા રેલીનો પ્રારંભ: પોલીસદળના ૨૫ જવાનો ૧૧ જિલ્લાનો પ્રવાસ કરી કેવડિયા પહોંચશે

૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા સંમેલન, પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ સિંઘે ભુજમાં પત્રકાર પરિષદ યોજી આપી માહિતી

(વિનોદ ગાલા દ્વારા )ભુજ::::દેશના લોકોમાં રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાની ભાવના વધુ પ્રબળ અને મજબૂત બને તે હેતુથી દર વર્ષે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાશે ત્યારે આ કાર્યક્રમના ઉપલક્ષમાં એકતા રેલીનું આયોજન કરાયું હોઈ આવતીકાલે પશ્ચિમ ઝોનની બાઈક રેલીનું લખપત ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે વિગતો આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેવડિયા ખાતે રાષ્ટ્રીય સ્તરની ઉજવણી થનારી હોઈ તેના ઉપલક્ષમાં બાઈક તેમજ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ચાર ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં કચ્છ સરહદે આવેલા લખપતથી બાઈક રેલીને આવતીકાલે સવારે ૯ કલાકે પ્રસ્થાન કરાવવામાં આવશે. આ બાઈક રેલીમાં પોલીસ દળના રપ જવાનો જોડાશે. લખપતથી કેવડિયા સુધી આ બાઈક રેલી યોજાશે. જે લખપતથી કચ્છ જિલ્લાના વિવિધ સરહદી તાલુકાઓમાં ફરીને રાજ્યના અન્ય ૧૦ જિલ્લાઓ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, અંકલેશ્વર થઈને ૨૬ મી તારીખે કેવડિયા પહોંચશે. બાઈક રેલી મારફતે પોલીસ જવાનો લોકો સાથે હળીમળીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે. ૩૧ મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના

કાર્યક્રમમાં ચારેય ઝોનમાંથી કેવડિયા પહોંચેલા પોલીસ જવાનો ઉપસ્થિત રહેશે.

(5:28 pm IST)