Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ભરૂચમાંથી 2.28 લાખ કિલો ડુંગળી ભરેલી ટ્રેન પશ્ચિમ બંગાળ મોકલાઈ

20 જનરલ કોચમાં 228.11 ટન ડુંગળીનું પરિવહન, ડિવિઝનને ₹11 લાખના રાજસ્વની આવક

પેટ્રોલ-ડિઝલ મોંઘું થતા તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ પડી રહી છે રોડ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા તેનો સીધો લાભ રેલવેને મળ્યો છે. વડોદરા રેલવે વિભાગ દ્વારા પેહલી વાર રેલ મારફતે 228.11 ટન (2.28 લાખ કિલો ) ડુંગળી પશ્ચિમ બંગાળના માલદા રવાના કરાઈ છે. જે થકી ₹11 લાખની રેલવેને આવક થઈ છે.

ભરૂચની 16 લાખથી વધુ પ્રજા રોજના 2 લાખ કિલો એટલે કે 200 ટન કાંદા આરોગી જાય છે. ભરૂચમાં રોજની આટલી ડુંગળીની ખપત થાય છે ત્યારે ભરૂચ રેલવેએ પ્રથમ વાર ટ્રેનમાં 228.11 ટન ડુંગળી વેસ્ટ બેંગાલ મોકલવાનો રેકોર્ડ કર્યો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનથી પહેલી વાર કિસાન રેલના માધ્યમથી ડુંગળીના લોડિંગની શરૂઆત કરવામાં આવી છે. આના માટે ડિવિઝનના ભરૂચ સ્ટેશનથી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન માટે ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે.

ડિવિઝનલ રેલવે મેનેજર DRM અમિત ગુપ્તાએ જણાવ્યું છે કે,કિસાન રેલના માધ્યમથી ભારતીય રેલવે દ્વારા કૃષિ ઉત્પાદનો માટે સલામત, ઝડપી તથા સસ્તા પરિવહન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. વડોદરા ડિવિઝનમાં રચિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયત્નોથી પશ્ચિમ રેલવેને સતત સફળતા મળી રહી છે.

ડુંગળી જેમ સામાન્ય રીતે રોડ માર્ગે મોકલવામાં આવતી હતી. આ ટ્રાફિકને રોડ થી રેલવે તરફ ડાયવર્ટ કરવામાં સફળતા મળી છે. ડિવિઝનથી પ્રથમ ડુંગળીની કિસાન રેલ ભરૂચ થી માલદા ટાઉન માટે ચલાવવામાં આવી છે. જેમાં 20 જનરલ કોચમાં 228.11 ટન ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે કિસાન રેલ થી પરિવહન કરવા પર રેલવે થી ભાડામાં સબસિડી આપવામાં આવે છે. જેમાં આ રેક થી કુલ રૂ. 11 લાખના રાજસ્વની આવક થઈ છે. આ પ્રકારે વડોદરા ડિવિઝનથી અત્યાર સુધી 9 કિસાન રેલનુ સંચાલન કરવામાં આવ્યું છે

(9:46 pm IST)