Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વરસાદની આગાહીથી વાતાવરણમાં પલટો આવતા કેશોદ તાલુકામાં ખેડુતોની મુશ્કેલીમાં થયો વધારોઃ રાત્રીના સમયે પણ ઓપનેર થ્રેશર શરૂ

કેશોદ, તા.૧૮: ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડુતો મુંઝવણમાં મુકાયા હતા. વધુ વરસાદના કારણે મગફળીના પાકમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા ખેત ઉત્પાદન અને ઘાંસચારામાં નુકસાન થયું હતુ. અનેક ખેડુતોને ખર્ચ જેટલુ પણ ઉત્પાદન થયું નથી તો કોઈ ખેડુતોને મગફળીના પાકમાં સારૂ ઉત્પાદન થવાની સંભાવનાછે તેવા ખેડુતોને મગફળી ઉપાડવાની કામગીરી કર્યા બાદ ખેતરોમાં પાથરા પડયાછે તેવા સમયે અને શિયાળાની ઋતુમાં વરસાદની આગાહી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા ખેડુતો મુંઝવણમાં મુકાયા છે. ચાર મહિનાની મહેનત બાદ મગફળીનો તૈયાર થયેલ પાક હાથમાંથી સરી જવાની ભીતીથી ખેડુતોએ રાત્રીના સમયે ઓપનેર થ્રેશર શરૂ કરી ખેત પેદાશો સાચવવા કામે લાગ્યાછે. જીવના જોખમે ખેડુતો મજુરો રાત્રીના સમયે કામ કરતા જોવા મળી રહયાછે એક તરફ ખેડુતોને મગફળીનો પાક સાચવવાની તૈયારી કરી રહયાછે તો બીજી તરફ આગોતરી મગફળીનું વાવેતર કરનાર ખેડુતોએ મગફળીનો પાક સાચવી લીધા બાદ શિયાળુ પાકનું વાવેતર કરવાની ઉતાવળ પણ થઈ રહીછે. વાતાવરણમાં બદલાવના કારણે કમોસમી વરસાદ થશે તો અમુક ખેડુતોએ થોડા દિવસો પહેલા કરેલ શિયાળુ પાકના વાવેતરમાં નુકશાની થવાની પણ શકયતા છે. ત્યારે વાતાવરણમાં બદલાવ આવતા કમોસમી વરસાદ થશે કે કેમ તે જોવાનું રહ્યું પણ હાલ વાતાવરણમાં પલટો આવતા ખેડુતોમાં નિરાશા જોવા મળી રહી છે.(તસ્વીર-અહેવાલઃ કિશોરભાઇ દેવાણીઃ કમલેશ જોશીઃ કેશોદ)

(10:30 am IST)