Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

માવઠાની આગાહીનાં પગલે સુરેન્દ્રનગર જીલ્લાના યાર્ડમાં મગફળી-શાકભાજી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા

રણના અગરીયાઓને પણ સુરક્ષિત જગ્યાએ જવા આદેશ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૮ : સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજથી સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ભેજ વાળા વાતાવરણથી અને વરસાદી ઝાપટા વચ્ચે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તે વેચવા માટે આવેલા ખેડૂતોનો માલ સુરક્ષિત જગ્યા ઉપર મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં અન્ય શાકભાજી ડુંગળી બટાકા કે જે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત માલ વેચવામાં આવે છે તે સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ ૧૮ અને ૧૯ નવેમ્બર દરમિયાન ગુજરાત રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે. જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ સુરેન્દ્રનગર દ્વારા ખેડુતોને ઉભા પાક તેમજ ઉત્પાદીત ખેત પેદાશના રક્ષણ માટે જરુરી કાળજી લેવા જણાવાયુ છે.

જે અન્વયે ખેડુતોએ પોતાનો ઉત્પાદીત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને દ્યાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઇ જવી અથવા તો શકય હોય તો હવામાન ખાતાની આગાહી હોય તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવું, બાગાયતી પાકોમાં જેવા કે શાકભાજી, ફળો, મરીમસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી તેમજ શિયાળુ ઉભા ખેત પાકોમાં શકય હોય તો પિયત ટાળવુ તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા લેવા તથા ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા વધુમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે સાંજ પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ આગામી બે દિવસ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે ત્યારે અમુક વિસ્તારોમાં આજે સવારથી વરસાદી ઝાપટાં પડવાના શરૂ થઈ ચૂકયા છે જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આશરે ૫૦૦૦ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જીરું લીલોચારો શાકભાજી તલ જેવા પાકોનું વાવેતર કરી અને ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા સાથે આ વાવેતર કર્યું છે પરંતુ કમોસમી વરસાદી ઝાપટાં અને વાતાવરણમાં અચાનક ફેરફારના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે અને શિયાળુ પાકોના વાવેતર અને નુકશાની જવાની ભીતિ પણ હાલ સર્જાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદ થવાની શકયતાઓ બે દિવસ માટે તંત્રે વ્યકત કરી છે સાવચેતીના ભાગરૂપે જાહેરનામા પણ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખારાદ્યોડા રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રહેવા માટે તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યા છે અને સૂચના પણ આપવામાં આવી છે જો ભારે પવન અને વરસાદ થાય તો રણના અગરિયાઓને સલામત સ્થળે પોતાના પરિવાર સાથે જતા રહેવા તંત્રે આદેશ આપ્યા છે.

(11:42 am IST)