Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વાંકાનેરનાં પુલ દરવાજા પાસે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવતા વિભાગીય નિયામક દ્વારા માંગ

વાંકાનેર,તા. ૧૮ : વાંકાનેરમાં એસ.ટી બસોને વધુ ટ્રાફિક મુખ્ય બસ સ્ટેશનથી વધુ જુના પુલ દરવાજા પાસે રહેતો હોય વિભાગીય નિયામક એસ.ટી. રાજકોટ વિભાગ દ્વારા અહીં પીકઅપ સ્ટેન્ડ માટે યોગ્ય જગ્યા ફાળવવા વાંકાનેર નગર પાલિકા પાસે માંગ કરવામાં આવી છે.

વાંકાનેરનાં મુખ્ય બસ સ્ટેશનનું કરોડોનાં ખર્ચે નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.પરંતુ વાંકાનેર એસ.ટી બસોને વધુ મુસાફરો પુલ દરવાજા પાસેથી મળે છે, અને પુલ દરવાજા સ્ટેન્ડ શહેરની મધ્યમાં હોય મુસાફરોને પણ વધુ અનુકૂળ રહે છે આથી મુખ્ય બસ સ્ટેશનથી પણ વધુ મુસાફરો પુલ દરવાજા સ્ટેન્ડ પરથી અવર જવર કરે છે, પરંતુ ત્યાં મુસાફરોને બેસવા કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી, મુસાફરોને-વિદ્યાર્થીઓને બસ આવે ત્યાં સુધી અહીં સતત ઉભા રહેવું પડે છે ત્યારે અહીં પીકઅપ સ્ટેન્ડ, પીવાનું પાણી, ઓન લાઈન રીઝર્વેશન, પાસ જેવી સુવિધાઓ શહેર મધ્યે જ મળી રહે તે માટે વિભાગીય નિયામક એસ.ટી રાજકોટ દ્વારા વાંકાનેર નગર પાલિકા પાસે અંદાજીત ૧૦૦ ચો.મી. જમીન સરકાર શ્રી નાં મહેસુલ વિભાગના ઠરાવ નં. ૩૯૯૮, તા. ૨/૫/૯૮ ની જોગવાઈ અનુસાર રૂ. ૧ (એક) નાં ટોક ન ભાડા થી ૯૯ વર્ષનાં ભાડા પેટે વાણિજય વિકાસની મંજૂરી સહિત ફાળવવા માંગ કરવામાં આવી છે. પુલ દરવાજા સ્ટેન્ડ પર હજારો એસ.ટી મુસાફરોની અવર જવર રહે છે, જો વાંકાનેર નગર પાલિકા દ્વારા અહીં જમીન આપવામાં આવે તો અદ્યતન સુવિધાઓ સાથેનું પીકઅપ સ્ટેન્ડ બનાવવા એસ.ટી તંત્ર દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.

(11:46 am IST)