Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગોંડલની ૩ લાખની લૂંટમાં ફરીયાદીના ગોળગોળ કથનથી પોલીસ ગોટે ચડી

લૂંટની ઘટના શંકાસ્પદ અને જાણભેદુની સંડોવણી હોવાની દિશામાં રૂરલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ

લૂંટનો ભોગ બનનાર ભાવિન તથા કોટન જીનીંગની તસ્વીર (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય ગોંડલ)

રાજકોટ તા. ૧૮ :.. ગોંડલમાં ગઇકાલે સરાજાહેર થયેલ ૩ લાખની લૂંટની ઘટનામાં ફરીયાદીના ગોળ ગોળ જવાબથી પોલીસ ગોટે ચડી છે. લૂંટની ઘટના શંકાસ્પદ અથવા તો આ ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નાગડકા રોડ ઉપર આવેલ હિતેશભાઈ ગજેરાના રાઘવ કોટન સ્પીન મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ કનૈયાલાલ માયાણી (રહે. બંધિયા) વાળા પોતાના સ્પેલન્ડર બાઈક GJ03 HQ 0618 ઉપર સ્પીનીગ મીલના રૂ. ૩ લાખ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી ઉપાડી મીલ તરફ આવી રહ્યા હતા ત્યારે નાગડકા રોડ ઉપર ઉભેલા બે શખ્સોએ તેમને રોકી ધોકો બતાવી ધાક ધમકીઓ આપી રોકડા રૂપિયા તેમજ બાઈક ની લૂંટ ચલાવી નાશી જતા પોલીસ ફરિયાદ નોંધાવતા સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને નાકાબંધી કરી હતી.

બનાવ અંગે રાઘવ કોટન સ્પિન ના માલિક હિતેશભાઈ ગજેરા એ જણાવ્યું હતુ કે ભાવિન માયાણી છેલ્લા ચાર વર્ષથી નોકરી કરી રહ્યા છે અને રોજિંદા રોકડા નાણાં અને બેન્કિંગ વહીવટ નું કામ કરતા હતા ગઇકાલેે તેઓ બેન્કમાંથી રોકડા રૂપિયા લઈને આવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને ભાવિનભાઈએ બાઈક ન રોકતા ધક્કો મારી પછાડી લૂંટ ચલાવી હતી.ધોળે દિવસે બનેલ લુંટ ની ઘટના ને પગલે સનસની મચી જવા પામી હતી.

દરમિયાન ફરીયાદીના ગોળગોળ જવાબથી પોલીસ ગોટે ચડી છે તેમજ 

 લુટની સનસની ખેજ ઘટનામા અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.જ્યાં બનાવ બન્યો તે નાગડકા રોડ પર તિરુમાલા સહીત અનેક વિકસી રહેલી સોસાયટીઓ આવી હોય લોકોની અવરજવર થી ધમધમતો રહે છે.તેમ છતા નજરે જોનાર કે બુમાબુમ સાંભળનાર કોઈ નથી.

એકાઉન્ટન્ટ ભાવીન પાસે ત્રણલાખ જેવી રકમ હોવાની લુંટારુઓને અગાઉ થી જાણ હોય કોઈ જાણભેદુ લુટમા સામેલ છે કે કેમ ? માત્ર ઘોકો બતાવી બાઇક રોકી ત્રણ લાખ ની લુંટ થાય અને લુંટારુઓ ભાવીન નુ બાઇક લઇ પલાયન થાય તે થીયરી પણ અનેક શંકાઓ દર્શાવી રહી છે.આમ લુટ ની ઘટના શંકાસ્પદ હોવાનું અથવા તો કોઇ જાણ ભેદુની સંડોવણી હોવાની શંકાએ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.આર. ગોહિલ તથા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:21 pm IST)