Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામકલ્યાણપુરના નાવદ્રામાં વધુ ૧૨૦ કરોડના ૨૪ કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલ શખ્સોના રિમાન્ડની તજવીજ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ : પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહેલ છે, જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રગ્ઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજયને નાર્કોટીકસ ડ્રગ્ઝના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે. તાજેતરમાં તા. ૧૪/૧૧/૨૦૨૧ ના રોજ એ.ટી.એસ. ગુજરાતની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જીલ્લાના ઝીઝુડા ગામે એક મકાનમાં રેડ કરેલ, જેમાં અંદાજિત ૧૨૦ કિલો હેરોઈનનો જપ્ત કરેલ. આ કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. ૬૦૦ કરોડની છે. રેડ દરમ્યાન ત્રણ આરોપીઓ નામે (૧) મુખ્તાર હુશૈન ઉફે જબ્બાર સ/ઓ હાજી નૂરમોહમ્મદ રાવ, ઉ.વ. ૩૯ રહે. બસ સ્ટેન્ડ રોડ,મેઇન બજાર, જોડીયા, જી. જામનગર, (૨) સમસુદ્દીન સ/ઓ હુસૈનમીયાં સૈયદ, ઉ.વ. ૩૭ રહે. ઝીંઝુડા, તા. મોરબી, જી. મોરબી (૩) ગુલામ હુસૈન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમી દ્વારકા નાઓની ધરપકડ કરવામા આવેલ અને ત્યારબાદ તેઓને મોરબી જીલ્લાના સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રજૂ કરતા ઉપરોકત ત્રણેય આરોપીઓના ૧૨ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર થયેલ છે.

હેરોઈન કનન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજયોમાં સક્રિય ડગ્ઝ સ્મગલર્સની સંડોવણી ખૂલવા પામેલ. આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી ૧૨ કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરેલ હતી. ત્યારબાદ બાકીના ડ્રગ્ઝની ડીલીવરી માટે આ ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવ ને મળવા જવાનો હોવાની માહિતી મળેલ, જે આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી, જે દરમ્યાન બે આરોપીઓ (૧) ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો, S/o : અલી મીયા કાદરી, રહેૅં બંદર રોડ, જામ સલાયા, સોડસલા, જામનગર, (૨) અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ, રહે. મન્નીવાલી, તાલુકા સાદુલશહર, જીલ્લો ગંગાનગર, રાજસ્થાનનાઓને શિરોહી, રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવેલ છે.

ઉપરોકત પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્ઝ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્ઝની ડોલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવનાઓને કરવાની હતી.

અત્રે એ નોંધનીય છે કે, ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર, રહે. ફરીદકોટ, પંજાબના ઉપર રાજસ્થાન, પંજાબ તથા હરિયાણા સહિતના રાજયોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલ છે. અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ માણસ છે.

આ ઉપરાંત ઉપરોકત ગુન્હામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ, રહે. જોડોયા, જીલ્લો જામનગરનાનો પણ આ ગુન્હામાં સંડોવાયેલ હોઈ તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ ઉપરાંત, પકડાયેલ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમી દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે સદરહું આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, રહે. નાવદ્રા, તાલુકો જામકલ્યાણપુર, જીલ્લો દેવભૂમી દ્વારકાનાના રહેણાંક મકાનમાંથી અંદાજિત ૨૪ કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિમત અંદાજિત રૂ. ૧૨૦ કરોડ ગણાય જે મળી આવતા આ જથ્થો કબ્જે કરવાની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(12:22 pm IST)