Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રૂ. ૩૦ હજારની લાંચમાં ઝડપાયેલ કોયલી ગામના તલાટી-મંત્રી જુનાગઢ જેલ હવાલે

ગામનાં સરપંચની ધરપકડ માટે તજવીજ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮: રૂ. ૩૦ હજારની લાંચમાં ઝડપાયેલ વંથલીનાં કોયલી ગામનાં તલાટી મંત્રીને જેલ હવાલે કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

વંથલી તાલુકાનાં કોયલી ગામનાં તલાટી મંત્રી જસ્મીન જેસીંગભાઇ ડાંગરે બાંધકામની મંજુરી માટે રૂ. ૩૦ હજારની લાંચ માંગી હતી અને રૂ. ૬ હજાર ગામનાં સરપંચ વલ્લભ ખીમજીભાઇ ત્રાંબડીયાને આપવા પડશે તેવા મતલબની ફરિયાદ જુનાગઢ એસીબી સમક્ષ થઇ હતી.

જેના આધારે એસીબી જુનાગઢ એકમનાં મદદનીશ નિયામક ડી. એલ. દેસાઇનાં માર્ગદર્શનમાં જુનાગઢ એસીબી પી.આઇ. વી. આર. પટેલ અને સ્ટાફે ટ્રેપ ગોઠવીને તલાટી મંત્રી જસ્મીન ડાંગર વતી વંથલી હાઇવે પર એક શખ્સને લાંચ સ્વીકારતા ઝડપી લીધો હતો બાદમાં લાંચનાં નાણા લઇને જઇ રહેલ જસ્મીન ડાંગરને પણ પકડી પાડવામાં આવ્યો હતો.

દરમ્યાન તલાટી મંત્રી તથા સરપંચ સહિત ત્રણ શખ્સો સામે જુનાગઢ એસીબીમાં લાંચનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જરૂરી તપાસ-પુછપરછ પૂર્ણ થતા તલાટી મંત્રી જસ્મીન ડાંગરને જુનાગઢ જીલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

વિશેષ તપાસ એસીબી અમરેલીનાં પી.આઇ. ડી. કે. વાઘેલા ચલાવી રહ્યા છે.

(12:24 pm IST)