Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જૂનાગઢ - વિસાવદર મીટરગેજ ટ્રેન પ્રશ્ને ૧લીથી ઉપવાસ - આંદોલનના મંડાણ

ત્રણ જિલ્લાની આમજનતા સ્વયંભૂ લોકઆંદોલનમાં જોડાશે : વિસાવદર તરફથી જતી ટ્રેનને જૂનાગઢથી બારોબાર ગ્રાફેડ નજીક રોકી સબ સ્ટેશન ઉભુ કરવાનો રેલ્વેતંત્ર દ્વારા કારસો ઘડાઇ રહ્યાનું બહાર આવતા પ્રજામાં ભભૂકતો રોષ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લાની પ્રજાને સ્પર્શતા 'જૂનાગઢ-વિસાવદર' વચ્ચેની મીટરગેજ રેલ્વે લાઈનો ત્વરીત શરૂ કરવાની માંગ સાથે આખરે ૧લી ડીસેમ્બરથી ઉપવાસ-આંદોલનનાં મંડાણ થઇ રહ્યા છે.

વિસાવદર શહેરની વિવિધ સંસ્થાઓ આખરે ટ્રેન ચાલુ કરવા મેદાને આવેલ છે અને દોઢ વર્ષની રાહ જોયા બાદ આખરે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સ તથા વિસાવદર પેસેન્જર એસોસિએશન તથા શહેર તથા ગ્રામ્ય પંથકની વિવિધ સંસ્થાઓ દ્વારા આખરે રેલવે તંત્રને તા.૩૧/૦૯/૨૦૨૦૧ સુધીમાં બંધ થયેલી કોરોના કાળ પહેલાની જૂનાગઢ-વિસાવદર ટ્રેન પૂર્વવત ચાલુ કરવા અલ્ટીમેટમ આપેલ છે અન્યથા વિસાવદર રેલવે સ્ટેશન સામે તા.૧/૧૨/૨૧ થી આંદોલન ચાલુ કરવાની લેખીત ચીમકી આપેલ છે. જિલ્લાને લાગુ પડતી ટ્રેનો કોરોનાના બહાના નીચે બંધ કરી દેવામાં આવેલ હતી જૂનાગઢ જિલ્લામાં હવે કોરોનાના કેસો નથી એમ છતા પણ અન્ય તમામ ટ્રેનો ચાલુ થઈ ગયેલ હોવાછતાં પણ તેમજ અનેક રજૂઆતો કરવા છતાં જૂનાગઢ-વિસાવદર વચ્ચેની ટ્રેન ચાલુ નહિ કરતા વિસાવદર, બિલખા,ધારી, તાલાલા તથા બિલખા સુધીના ત્રણ જિલ્લાના લોકો દ્વારા ટ્રેન બાબતે મીટીંગો થઈ રહી હતી આખરે મૂળ સ્થિતિ મુજબના સમય-સ્ટોપ સહિત તમામ ટ્રેન ચાલુ કરવા તથા ટ્રેનોનું સ્ટેશન કોઇપણ કાળે ન ફેરવવા સહિતનાં વિવિધ મુદાઓને લઇ વિસાવદરથી આંદોલનના મંડાણ કરાઇ રહ્યા છે.છેલ્લા બે વર્ષથી કોરોનાના ઓઠા તળે ઉપરોકત ટ્રેન રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે,ત્યારબાદ ક્રમેક્રમે વિસાવદરને જોડતી અમરેલી-સાસણ-તાલાલા-વેરાવળની મીટરગેજ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઈન પર દોડતી ટ્રેન કોઈપણ કારણ ન હોવા છતા ચાલુ કરાતી નથી..આ અંગે તમામ સ્તરે લેખિત-મૌલિક-સંકલિત વારંવાર રજુઆતો કરાય છે,પરંતુ રેલ્વે તંત્ર લેશમાત્ર પ્રત્યુતર આપવાનુ પણ મુનાસીબ નથી સમજતુ..!! આ મીટરગેજ ટ્રેન અબાલ-વૃદ્ઘ-મહિલાઓ-બાળકો-અપડાઉન કરતા નાના ખાનગી-સરકારી કામદારો માટે આશીર્વાદરૂપ હોય અને દરરોજ ભરચક્ક ટ્રાફીક રહેતો હોય,છતાં પણ યેનકેન પ્રકારે આ ટ્રેન શરૂ કરાતી નથી..!!

આ બાબતે નીચે મુજબના મુદાઓની આર.ટી.આઈ.એકટ મુજબ પણ રેલવે તંત્ર પાસે માહિતી માંગવામાં આવેલી જેમાં,(૧) જૂનાગઢ-વિસાવદર વચ્ચેની મીટરગેજ રેલ્વે લાઈન પર હાલ ટ્રેન બંધ છે કારણ શુ..?

(૨) જૂનાગઢ-વિસાવદર વચ્ચેની મીટર ગેજ રેલ્વે લાઈન પર ટ્રેન ચાલુ કરવા અંગે હાલ કોઈ કાર્યવાહી ચાલુ છે કે,કેમ..?

(૩) જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઈન કયારથી બંધ કરાઈ..? કયા કારણોસર..? હજુ ફરી પાછી ચાલુ ન કરાઈ તેનુ કારણ શુ..? તેવા મુદાની પણ રેલવે બોર્ડ સુધી આર.ટી.આઈ.કરી માંગ કરાઈ છે.

ત્રણ જિલ્લાને જોડતા આ પ્રશ્ને જોરદાર લોકઆંદોલન જગાવવા એક મીટીંગનુ પણ આયોજન કરાઇ રહ્યુ છે.

દરમિયાન વિસાવદરથી જૂનાગઢ તરફથી જતી ટ્રેનને જૂનાગઢનાં મુખ્ય રેલ્વે સ્ટેશન સુધી નહીં,પરંતુ આ ટ્રેનને જૂનાગઢની બારોબારનો વિસ્તાર ગ્રોફેડે જ રોકી દેવાની રેલ્વેતંત્ર દ્રારા પેરવી કરાઇ રહ્યાનુ બહાર આવતા પ્રજામાં રોષ ભભૂકી ઉઠયો છે.

આગામી તા.૧થી શરૂ થઇ રહેલા આંદોલનમાં ઉપવાસીઓમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઇ કાનાબાર , શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ, પેસેન્જર એસોસીએશનનાં પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ, વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી, ભાજપ અગ્રણી હિંમતભાઇ નાનજીભાઇ દવેના નામો જાહેર થયા છે.ઉપવાસમાં જોડાવા ઇચ્છતા નાગરિકો મો.૯૪૨૬૪ ૬૭૦૩૨/૯૪૨૬૯૫ ૩૭૯૪નો સંપર્ક સાધી શકે છે.

(12:57 pm IST)