Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સાવરકુંડલાના ભમર ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

ચાર સભ્યોએ ઘરકંકાસના કારણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓ

સાવરકુંડલાના ભમર ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પરિવારના ચારેય સભ્યોને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પરિવારના ચાર સભ્યોએ ઘરકંકાસના કારણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓ પણ થઇ રહી છે.

સાવરકુંડલા તાલુકાના ભમર ગામમાં 50 વર્ષના ભીમા ખીમસુરીયા તેમના પરિવારની સાથે રહેતા હતા. ભીમા ખીમસુરીયાના પરિવારના સભ્યોએ બુધવારના રોજ એકાએક ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધી હતી તેમાં 50 વર્ષીય ભીમા ખીમસુરીયા, 45 વર્ષીય સોમી ખીમસુરીયા, 30 વર્ષીય હકા ખીમસુરીયા અને 23 વર્ષીય રેખા ખીમસુરીયાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેમણે ખીમસુરીયા પરિવારના 4 સભ્યોને સૌ પ્રથમ સાવરકુંડલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ પરિવારના ચારેય સભ્યો સારવાર હેઠળ છે.

(12:59 am IST)