Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જસદણ બેઠકમાં ૪૭ મતદાન મથકો સંવેદનશીલ કક્ષામાં

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૮: જસદણ વિધાનસભા બેઠકમાં કુલ ૪૭ મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવ્‍યા છે.

દેશમાં મુક્‍ત તટસ્‍થ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી અને મતદાન યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ભૂતકાળમાં થયેલા વિવિધ બનાવો, વિવિધ જૂથ અથડામણનાં ગુનાઓ વગેરે બાબતોને ધ્‍યાને લઈને મતદાન મથકોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ તરીકે નોંધવામાં આવતા હોય છે. જેને ચૂંટણી પંચ દ્વારા ક્રિટિકલ ૧ અને ક્રિટિકલ ૨ એમ બે ભાગમાં વહેંચવામાં આવતા હોય છે. જસદણ વિધાનસભા બેઠક માટે કુલ ૨૬૧ મતદાન મથકો પૈકી ૧૬ મતદાન મથકોનેᅠ સી ૧ કેટેગરીમાં તેમજ ૩૧ મતદાન મથકોને સી ૨ કેટેગરીમાં દર્શાવવામાં આવ્‍યા છે. આ તમામ મતદાન મથકો ઉપર સલામતીની વિશેષ કાળજી રાખવામાં આવતી હોય છે. મોટા હડમતીયાના બે મતદાન મથક,

ગોડલાધારના બે મતદાન મથક, ભડલીના ચાર મતદાન મથક, મોટા દડવાના છ મતદાન મથક વગેરે ક્રિટિકલ એક કેટેગરીમાં મૂકવામાં આવ્‍યા છે જયારે દહીસરાના ત્રણ મતદાન મથક, વીરનગરના પાંચ મતદાન મથક, શિવરાજપુરના પાંચ મતદાન મથક, જંગવડના ત્રણ મતદાન મથક, સાણથલીના પાંચ મતદાન મથક, વડોદના બે મતદાન મથક, સોમલપરના બે મતદાન મથક, આંબરડીના ત્રણ મતદાન મથક તેમજ ઓરીના ત્રણ મતદાન મથકને ક્રિટિકલ ૨ કેટેગરીમાં મૂકવામાં આવ્‍યા છે. જોકે જસદણમાં મોટાભાગની ચૂંટણીઓ શાંતિપ્રિય વાતાવરણમાં કોઈ પણ વિવાદ વગર યોજાતી હોય છે.

(10:28 am IST)