Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૫૪ બેઠકોમાં પ૦પ ઉમેદવારો વચ્‍ચે જંગ

ફોર્મ ચકાસણી-પરત ખેંચવાની પ્રક્રિયા પુરી થતા હવે જુદી-જુદી બેઠકોનું ચુંટણી ચિત્ર સ્‍પષ્‍ટ

રાજકોટ, તા., ૧૮: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૫૪ બેઠકો માટે ૫૦૫ ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ જામશે અને અસંખ્‍ય મતદારો તા.૧ ડિસેમ્‍બરના મતદાન કરશે.

ગઇકાલે ચુંટણીની ફોર્મ પ્રક્રિયાની કામગીરી પુર્ણ થતા હવે ચુંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થયું છે.

વિધાનસભાની ચુંટણી અન્‍વયે સૌરાષ્‍ટ્રના ૧૧ જીલ્લાઓની ૪૮ બેઠકો પર ગત મંગળવારે ફોર્મની ચકાસણી બાદ ૫૮૯ ફોર્મ માન્‍ય રહયા હતા અને ત્‍યાર બાદ બે દિવસમાં ૧૩૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ૪૮ બેઠકો પર ૪૫૦ ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ ખેલાશે તેવું ચુંટણી ચિત્ર સ્‍પષ્‍ટ બન્‍યું છે. સૌથી વધુ ઉમેદવારો મોરબી વિધાનસભા બેઠક પર ૧૭ નોંધાયા છે. જયારે સૌથી ઓછા ઉમેદવારો રાજકોટ જીલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પર ૪ નોંધાયા છે. રાજકોટ પમિમાં ૧૩,  રાજકોટ પુર્ર્વ-દક્ષિણમાં ૮-૮ ઉમેદવારો નોંધાયા છે. જો કે ગત ચુંટણીની સાપેક્ષમાં આ વખતે ઉમેદવારોની સંખ્‍યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.  કચ્‍છમાં ૬ બેઠકો માટે પપ ઉમેદવારો મેદાનમાં છે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચવાનાં અંતિમ દિવસે અપક્ષનું એક અને ડમી ફોર્મ ખેંચાતા ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકનું ચિત્ર સ્‍પષ્ટ થયુ છે.

ધોરાજી ઉપલેટા બેઠક પર કુલ સાત ઉમેદવારોમા કોંગ્રેસનાં ઉમેદવાર લલીત વસોયા, ભાજપનાં ઉમેદવાર મહેન્‍દ્ર ભાઈ પાડલીયા, આપમાંથી વિપુલ સખિયા, તેમજ બસપામાંથી પ્રભાત ગોવિંદભાઈ સોલંકી આ ઉપરાંત અપક્ષ ઉમેદવારીમા ત્રણ ઉમેદવારો લઘુમતી સમાજનાં છે. જેમા જાફર ગની પીંજારા, પરમાર સાહિદ, તેમજ સિરાજ ખેબર કુલ સાત ઉમેદવારો મેદાને પડયા છે.ધોરાજી બેઠકમાં ચૂંટણી જંગ નો માહોલ ગરમ બની ગયેલ છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલ વિધાન સભા બેઠકમાં પાંચ ઉમેદવારો એ ફોર્મ રજુ કર્યા હતા.આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ માંડણકા એ પોતાનુ ફોર્મ પરત ખેચતા હવે ચુંટણી મેદાનમા ભાજપના ગીતાબા જાડેજા કોંગ્રેસના યતિષભાઈ દેસાઈ આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખુટ તથા અપક્ષ મુકેશભાઈ વરધાની વચ્‍ચે જંગ ખેલાશે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત આજે અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અંતિમ તારીખ અમરેલી જિલ્લાના ૯૪- ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્‍તારમાંથી અંતિમ દિને એક પણ ઉમેદવારી પત્રક પરત ખેંચાયું નથી.

૯૫-અમરેલી વિધાનસભામાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિને ૦૨  પત્રકો પરત ખેંચયા હતા. ઉમેદવાર કિરણબેન શૈલકુમાર ઉકાણી, મકવાણા કાળુભાઈ નારણભાઈએ ઉમેદવારી પત્રકો પળરત ખેંચ્‍યા હતા. ૯૬- લાઠી વિધાનસભામાં ૦૨ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. ઉમેદવારી નોંધાવનાર ધાધલ ગોવિંદભાઈ નથુભાઈ, દેત્રોજા જયશ્રીબેન જયસુખભાઈએ તેમના ઉમેદવારી પત્રક પરત ખેંચ્‍યા છે. ૯૭- સાવરકુંડલા વિધાનસભામાં ૦૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો પરત ખેંચ્‍યા હતા. ઉમેદવારી નોંધાવનાર વિશાલભાઈ પ્રવિણભાઈ રાદડિયા, કુરેશી ઈમરાન ઈકબાલભાઈ, પ્રકાશકુમાર લાલજીભાઈ ગેડીયાએ અંતિમ દિને ઉમેદવારી પત્રકો પરત ખેંચ્‍યા હતા. ૯૮-રાજુલા વિધાનસભામાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિને ૦૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો પરત ખેંચ્‍યા છે. સોલંકી દયાળભાઈ ધનજીભાઈ, સાવલીયા ધીરૂભાઈ ગોવિંદભાઈ, રવૈયા અમીતભાઈ હર્ષદભાઈએ રાજુલા-જાફરાબાદ વિધાનસભામાં કરેલી ઉમેદવારી પરત ખેંચી છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબી વિધાનસભા બેઠક પર ફોર્મ ભર્યા બાદ ફોર્મ ચકાસણીમાં ૨૬ ફોર્મ સ્‍વીકારવામાં આવ્‍યા હતા ત્‍યારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૦૯ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે જેથી હવે મોરબી વિધાનસભા બેઠક પર કુલ ૧૭ ઉમેદવારો વચ્‍ચે જંગ જામશે

મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર કુલ ૨૬ ઉમેદવારોના ફોર્મ માન્‍ય રાખી સ્‍વીકારવામાં આવ્‍યા હતા અને તા. ૧૬ તેમજ ૧૭ ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની કામગીરી કરવામાં આવી હતી ત્‍યારે આજે ફોર્મ પરત ખેંચવાની મુદત વીત્‍યા બાદ હવે ચુંટણી ચિત્ર સ્‍પષ્ટ થયું છે જેમાં કુલ ૦૯ અપક્ષ ઉમેદવારો મેદાન છોડી જતા રહ્યા છે અને હવે ૧૭ ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ જામશે મોરબી બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી ઉપરાંત ૧૩ અપક્ષ ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે.

જસદણ

(નરેશ ચોહલીયા  દ્વારા)જસદણઃ  જસદણ વિધાનસભા બેઠક માટે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે કુલ છ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

જસદણ બેઠક માટે બહુજન સમાજ પાર્ટીના દિનેશભાઈ રાઠોડે તથા અપક્ષ ઉમેદવાર ભરતભાઈ ભાલાળાએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ પરત  ખેંચ્‍યું  હતું. હવે ભાજપના કુંવરજીભાઈ બાવળીયા, કોંગ્રેસના ભોળાભાઈ ગોહેલ, આમ આદમી પાર્ટીના તેજસભાઈ ગાજીપરા, રાષ્ટ્રીય હિન્‍દ એકતા દળના શામજીભાઈ ડાંગર તેમજ અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણા તથા રમાબેન પ્રકાશભાઈ ગોરાસવા એમ કુલ છ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

ફોર્મ પાછા ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સ્‍પષ્ટ છતાં હવે જસદણ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચારનો જંગ વિશેષ રંગ લાવશે. જસદણ બેઠક માટે કુલ ૨૬૧ મતદાન મથક ઉપર કુલ ૨,૫૬,૩૪૫ મતદારો નોંધાયેલા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લાની ૭ વિધાનસભા બેઠક માટે ૮૪ ઉમેદવારોના ફોર્મ માન્‍ય રહ્યા બાદ ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા બે દિવસમાં કુલ ૧૮ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચતા હવે કુલ ૭ બેઠક માટે ૬૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૦ ફોર્મ માન્‍ય રહ્યા હતા, જે પૈકી ૨ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ૮ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાવનગર પમિમાં કુલ ૨૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી ૮ ફોર્મ પરત ખેંચાતા હવે ૧૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જયારે ભાવનગર ગ્રામ્‍યમાં સૌથી ઓછા ૭ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જે પૈકી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે માત્ર ૬ ઉમેદવારો ચૂંટણી લડનાર છે.

ભાવનગર જિલ્લાની મહુવા બેઠકમાં ૧૨ પૈકી ૨ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ૧૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તળાજા બેઠક પર ૧૩ ઉમેદવારો પૈકી ૩ ફોર્મ પરત થતા હવે ૧૦ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે. પાલીતાણા બેઠક ઉપર ૮ પૈકી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે ૭ ઉમેદવારો તેમજ ગારીયાધાર બેઠક ઉપર ૧૧ ઉમેદવારો પૈકી એક ઉમેદવારે તેમનું ફોર્મ ખેંચતા હવે ૧૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત આજે સુરેન્‍દ્રનગર જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો.જેમાં ૬૦- દસાડા વિધાનસભા મત વિસ્‍તારમાં કુલ ૯ ઉમેદવારો, ૬૧- લિંબડી વિધાનસભામાં કુલ ૧૫ ઉમેદવારો, ૬૨- વઢવાણ વિધાનસભામાં કુલ ૧૧ ઉમેદવારો, ૬૩- ચોટીલા વિધાનસભામાં કુલ ૯ ઉમેદવારો અને ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભામાં કુલ ૧૩ ઉમેદવારો એમ મળી કુલ જિલ્લામાં ૫૭ ઉમેદવારો ચૂંટણી લડશે એવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સુરેન્‍દ્રનગર દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

(11:29 am IST)